શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજમાં એન.એસ.એસ. વિભાગ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વ્યાખ્યાનમાં માસૂમ એનજીઓના દર્શન પાઠક વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. પોતાના વક્તવ્યમાં તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં દેશ અને દુનિયામાં નશો કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. નશાની લતના કારણે લોકો માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ આર્થિક અને સામાજિક રીતે પણ પીડાઈ રહ્યા છે. નશાના કારણે જીવલેણ રોગો, કુટુંબમાં આર્થિક સંકટ, દેવાનો ભાર અને ક્યારેક તો આપઘાત જેવી પરિસ્થિતિ પણ ઊભી થાય છે.
દર્શન પાઠકે ખાસ કરીને વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે યુવા પેઢી જો નશાથી દૂર રહીને જીવન જીવશે તો સમાજ અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. વ્યાખ્યાનના અંતે વિદ્યાર્થીઓએ એકસ્વરે શપથ લીધો કે તેઓ પોતે નશાથી દૂર રહેશે અને અન્ય લોકોને પણ નશામુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરશે.
કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ. જિતેન્દ્ર મકવાણા અને ડૉ. ધવલકુમાર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન. આચાર્ય ડૉ. ચંદ્રિકાબેન સોલંકીએ પણ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં ગુજરાતને નશામુક્ત બનાવવા માટે દરેકે પોતાના સ્તરે પ્રયાસ કરવો જોઈએ તેવા પ્રેરણાદાયી શબ્દો વ્યક્ત કર્યા હતા.
અહેવાલ: સતાર મેતર, સિહોર