ભાવનગરમાં એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બહેનો માટે નાણાકીય સાક્ષરતા અંગે ૬ દિવસીય નિઃશુલ્ક તાલીમ યોજાઈ.

એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા (આરસેટી) ભાવનગર દ્વારા બહેનોને આર્થિક રીતે સશક્ત બનાવવા અને સ્વરોજગાર તરફ પ્રેરવા હેતુસર નાણાકીય સાક્ષરતા સમુદાય સંસાધન વ્યક્તિઓ (સ્વ સહાય જૂથ પ્રશિક્ષણ) અંગે વિશેષ ૬ દિવસીય નિવાસી તાલીમ કાર્યક્રમ યોજાયો.

આ તાલીમ તા. ૨૫ ઑગસ્ટથી ૩૦ ઑગસ્ટ ૨૦૨૫ દરમ્યાન યોજાઈ હતી જેમાં ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાના ગામમાંથી આવેલા લગભગ ૩૦ જેટલા સખીમંડળની બહેનો જોડાઈ હતી. આ તાલીમનો મુખ્ય હેતુ બહેનોને નાણાકીય જાગૃતિ, બેંકિંગ પ્રણાલીની સમજણ, સમુદાય વિકાસ અને સ્વરોજગાર માટે જરૂરી કૌશલ્ય વિકસાવવાનો રહ્યો હતો.

સમાપન કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડી.એલ.એમ. ઇરફાનભાઈ ઘાંચી, એ.પી.એમ. કૌશલભાઈ પટેલ, એલ.ડી.એમ. (ઇન્ચાર્જ ડિરેક્ટર) કુમાર રવિ રંજન, ફેકલ્ટી હંસાબેન ચાવડાગોર, ફેકલ્ટી ઇશાનભાઈ, ગેસ્ટ ફેકલ્ટી ધ્રુવભાઈ ગોંડલીયા સહિતના અધિકારીઓ તથા સ્ટાફ હાજર રહ્યા હતા.

અતિથિઓએ બહેનોને તાલીમના અંતે માર્ગદર્શન પૂરું પાડ્યું અને નાણાકીય સાક્ષરતા દ્વારા સ્વાવલંબી બનવા પ્રેરિત કર્યા. તાલીમાર્થી બહેનોને તેમના પ્રતિભાવ રજૂ કરવા સાથે બેંકિંગ સેવાઓ તથા FLCRPs ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા.

આ તાલીમ દ્વારા બહેનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બહેનોને જીવનમાં આર્થિક રીતે પગભર બની પરિવાર અને સમાજમાં યોગદાન આપવાની પ્રેરણા આપી.

અહેવાલ : સતાર મેતર, ભાવનગર