ભાવનગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને ટેકનિકલ માર્ગદર્શન મળી રહે તે હેતુસર માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
આ સેમિનાર તા. 24 સપ્ટેમ્બર 2025ના રોજ ઉત્તર બુનિયાદી શાળા, શેત્રુંજી ડેમ ખાતે યોજાયો હતો. જિલ્લામાં કલસ્ટરના બાયો રિસોર્સ સેન્ટર (BRC) યુનિટ સ્થાપવા માગતા ખેડૂતોને માર્ગદર્શન આપવા ખાસ આ આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારમાં ખેડૂતોને બાયો રિસોર્સ સેન્ટર (BRC) કેવી રીતે બનાવવું તેની વિગતવાર માહિતી આપવામાં આવી. ઉપરાંત શેત્રુંજી ડેમ ખાતે કાર્યરત બાયો રિસોર્સ સેન્ટરની મુલાકાત પણ યોજાઈ હતી, જેમાં જીવામૃત, ઘન જીવામૃત અને કુદરતી અસ્ત્રો બનાવવાની પ્રેક્ટિકલ માહિતી આપવામાં આવી.
વિશેષજ્ઞોએ સમજાવ્યું કે જીવામૃત અને કુદરતી અસ્ત્રોના ઉપયોગથી ખેતીમાં ખર્ચ ઓછો થાય છે, જમીનની ઉપજાઉ શક્તિ વધે છે અને પાક વધુ સ્વસ્થ રહે છે. ખેડૂતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષિત કરવા આ પ્રેક્ટિકલ સત્રો અત્યંત ઉપયોગી સાબિત થયા.
કાર્યક્રમમાં જિલ્લામાં બાયો રિસોર્સ સેન્ટર (BRC) યુનિટ માટે મંજૂરી મેળવેલા ખેડૂતો તથા આત્મા અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
📍 અહેવાલ – સતાર મેતર, ભાવનગર