ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી યોજાઇ. કાર્યક્રમ ભાવનગરના નવાપરા સ્થિત એસ.પી. કચેરીના તાલીમ હોલ ખાતે આયોજિત થયો હતો, જેમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત અધિનિયમ-૨૦૧૩ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ અવસરે એસ.એસટી.-સેલના નાયબ પોલીસ અધિક્ષક રીમા ઝાલા, રીઝર્વ પોલીસ પી.એસ.આઈ. સોલંકી, એડવોકેટ પ્રિતિબેન મહેતા, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી હેતલબેન દવે, સમાજ સુરક્ષા અધિકારી ચૌધરી, મુખ્ય વક્તા અને માસ્ટર ટ્રેનર નેહલભાઇ ત્રિવેદી સહિતના અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં હેતલબેન દવેએ નારી વંદન ઉત્સવના મહત્ત્વ પર પ્રવચન આપ્યું અને મહેમાનોનું “બેટી બચાવો, બેટી પઢાવો” લખેલા મગ અને ઘડીયાળ આપીને સ્વાગત કરવામાં આવ્યું.
રીમા ઝાલાએ કામકાજના સ્થળે જાતીય સતામણી અટકાયત અધિનિયમ વિશે માહિતી આપી, તેમજ આ કાયદાનો પ્રચાર-પ્રસાર વધે તે અંગે માર્ગદર્શન આપ્યું. મુખ્ય વક્તા નેહલભાઇ ત્રિવેદીએ પોકસો એક્ટ અંગે પ્રેઝન્ટેશન અને વિડિયો દ્વારા વિગતવાર માહિતી આપી. તેમણે કાયદાની જોગવાઈઓ, સ્થાનિક અને આંતરીક સમિતિની કામગીરી, શી-બોક્સ પોર્ટલ અને કાયદો ક્યાં-ક્યાં લાગુ પડે છે તેની ચર્ચા કરી.
કાર્યક્રમના અંતે પ્રતિકાર વિષયક મુવી દર્શાવવામાં આવી અને રીઝર્વ પોલીસ પી.એસ.આઈ. સોલંકીએ આભારવિધિ આપી કાર્યક્રમ પૂર્ણ કર્યો.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર.