નારી વંદન ઉત્સવ અંતર્ગત ભાવનગરમાં મહિલા સ્વાવલંબન દિવસ ઉત્સાહભેર ઉજવાયો. ગુજરાત આર્થિક વિકાસ નિગમ લી. ગાંધીનગરની પ્રેરણા સાથે, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા રોજગાર વિનિયમ કચેરી ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ગોપીનાથજી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સવારે 9:30 થી 11:30 કલાક દરમિયાન મહિલા સ્વરોજગાર મેળો યોજાયો. મેળામાં ખાનગી ક્ષેત્રની 7 કંપનીઓએ ભાગ લીધો.
કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકરી સહ રક્ષણ અધિકારી હેતલ દવે, કોલેજના ટ્રસ્ટી પ્રોફેસર ડૉ. દિલીપભાઈ જોષી, પ્રિન્સીપાલ ડૉ. યોગેશભાઈ જોષી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી ગોટી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રતિનિધિ, શિહોર પોલીસ સ્ટેશનના રાજેન્દ્રસિંહ પરમાર અને યોગેશભાઈ ભાટવા, શી ટીમ, સંકલ્પ ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ટીમ, પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર અને અભયમ 181 હેલ્પલાઇનના પ્રતિનિધિઓ, કોલેજની વિદ્યાર્થીઓ અને રોજગારવાંચ્છું મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
દિપ પ્રાગટ્ય બાદ પ્રિન્સીપાલશ્રીએ શાબ્દિક સ્વાગત કર્યું અને ટ્રસ્ટી પ્રોફેસર ડૉ. યોગેશભાઈ જોષીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું. મહેમાનોનું ‘બેટી બચાવો, બેટી પઢાવો’ મગ આપી સ્વાગત કરાયું. હેતલ દવેએ નારી વંદન ઉત્સવના વિવિધ દિવસોની માહિતી આપી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીએ મહિલા સ્વાવલંબન માટેની વિવિધ યોજનાઓ પર પ્રકાશ પાડ્યો, તેમજ રોજગાર કચેરીના પ્રતિનિધિએ અનુબંધન પોર્ટલ અને રોજગાર તક અંગે માર્ગદર્શન આપ્યું.
પોલીસ વિભાગે સાયબર સેફ્ટી અંગે, અને DHEWના કર્મચારીએ સબસીડી સહિતની મહિલા સ્વાવલંબન યોજનાઓ અંગે માહિતી આપી. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 6 દિકરીઓનું સન્માન કરવામાં આવ્યું. અંતે 7 ખાનગી કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યૂ પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર.