ભાવનગર શહેરમાં મેજર ધ્યાનચંદ જયંતિના અવસરે આજે ભાવનગર મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ‘સન્ડે ઓન સાયકલ’ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીનો હેતુ શહેરવાસીઓમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપવાનો હતો.
રેલીમાં તમામ વય જૂથના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા, પરંતુ ખાસ આકર્ષણ બન્યો માત્ર ૬ વર્ષનો મહેંદી રજા ભીમાણી. ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ ૧માં અભ્યાસ કરતો નાનકડો મહેંદી પોતાની સાયકલ સાથે રેલીમાં જોડાયો હતો. તેની ઉત્સાહભેર ભાગીદારી જોઈને નાગરિકો તેને વખાણી ઉઠ્યા હતા.
આ નાનકડા બાળક દ્વારા આપેલો ફીટનેસનો સંદેશ સૌને પ્રેરક બન્યો હતો. નાગરિકોએ જણાવ્યું કે મહેંદી જેવા નાના બાળકો જો સાયકલિંગ અને સ્વસ્થ જીવન તરફ આકર્ષાય તો આવનારી પેઢી માટે સારો સંદેશ પહોંચે છે.
આ રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થી તેમજ ક્રીડા પ્રેમીઓ જોડાયા હતા. સમગ્ર શહેરમાં આ રેલીને લઈને ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.
અહેવાલ: સતાર મેતર, સિહોર