ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી અને અગ્નિવીણા વૃંદ, ભાવનગરના આયોજન હેઠળ “શબ્દ નાદ-૨” સુગમ સંગીત કાર્યક્રમનું ભવ્ય આયોજન ઝવેરચંદ મેઘાણી મીની ઑડિટોરિયમ, સરદારનગર ખાતે થયું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતી સાહિત્ય અને સંગીતના પ્રચાર-પ્રસારને પ્રોત્સાહન આપવાનો હતો, જે ભાવનગરના સંગીતપ્રેમી શ્રોતાઓ માટે એક યાદગાર સાંજ સાબિત થયો.
આ સંગીત મહેફિલમાં ટ્વિંકલબેન રાણીંગા, હિરેન ભડિયાદ્રા અને ઉન્મનાબેન ધોળકીયા જેવા પ્રતિભાશાળી કલાકારોએ પોતાની મોહક કંઠ પ્રસ્તુતિથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા.
ગુજરાતી સુગમ સંગીતના અમર સર્જકોના ગીતો સાથે આધુનિક રચનાઓનું સંયોજન શ્રોતાઓને ગૂંથતો ગયો. દરેક ગીતમાં શબ્દોની ઊંડાણ અને સૂર-તાલનો મીઠો મેળ સ્પષ્ટ અનુભવાયો.
કાર્યક્રમ દરમિયાન સંગીતકારોએ ગુજરાતી કાવ્યના ભાવવિશ્વને સુરાવલીમાં પિરોવાનો અવિસ્મરણીય પ્રયાસ કર્યો.
શ્રોતાઓએ વારંવાર તાળીઓના ગડગડાટથી કલાકારોને અભિનંદન આપ્યા અને કાર્યક્રમ પૂર્ણ થયા પછી પણ આ અનોખી સાંજની ચર્ચા ચાલુ રહી.
અગ્નિવીણા વૃંદના પ્રતિનિધિઓએ જણાવ્યું કે “શબ્દ નાદ” શ્રેણી હેઠળના આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ નિયમિત યોજાતા રહેશે, જેથી સ્થાનિક કલાકારોને મંચ મળે અને સંગીત-સાહિત્યના ચાહકોને ઉત્તમ રજુઆતનો લાભ મળે.