ભાવનગરમાં શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજમાં ‘નારી વંદના’ કાર્યક્રમ — મહિલાઓના અધિકાર અને પોક્સો એક્ટ અંગે માર્ગદર્શન.

શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજમાં ‘નારી વંદના’ કાર્યક્રમનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું. પ્રિન્સિપાલ (ઇ.ચા) ડૉ. ચંદ્રિકાબેન સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓને મહિલા સશક્તિકરણ સાથે સાથે તેમના કાયદાકીય અધિકારો અંગે માહિતગાર કરવામાં આવ્યા.

કાર્યક્રમના મુખ્ય વક્તા અને હિન્દી વિભાગના અધ્યક્ષ પ્રા. શીતલબેન ઉપાધ્યાયે પોતાના સંબોધનમાં કહ્યું કે આજના યુગમાં મહિલાઓ માટે પોતાના અધિકારોની જાણકારી હોવી અત્યંત જરૂરી છે. તેમણે પોક્સો એક્ટ (POCSO Act), બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ, મહિલાઓ માટેની સરકારી યોજનાઓ, તેમજ ઘરેલુ હિંસા પ્રતિબંધ કાયદો અંગે સરળ ભાષામાં સમજાવીને બહેનોને જાગૃત કર્યા.
તેમણે ભાર મૂક્યો કે — “સશક્ત મહિલાઓ જ સમાજને મજબૂત બનાવી શકે છે, અને સશક્તિકરણનું પ્રથમ પગલું છે જાગૃતિ.”

આ પ્રસંગે સેમેસ્ટર ૧, ૩ અને ૫ ની કુલ ૧૪ વિદ્યાર્થિનીઓએ ‘નારી સશક્તિકરણ’ વિષય પર પોતાના વિચારો પ્રસ્તુત કર્યા.
બહેનોના વક્તવ્યમાં મહિલાઓના શિક્ષણનું મહત્વ, સ્વરોજગારી દ્વારા આર્થિક સ્વતંત્રતા, રાજકીય ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી, અને સમાજમાં સમાન અધિકારોની જરૂરિયાત જેવા મુદ્દાઓ આવરી લેવાયા.

વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા, જેથી ભવિષ્યમાં વધુ વિદ્યાર્થીઓ આ પ્રકારના જ્ઞાનવર્ધક કાર્યક્રમોમાં જોડાય.

કાર્યક્રમનું સંચાલન હિન્દી વિભાગની અધ્યાપિકા ડૉ. વૈશાલીબેન પટોળિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમના આયોજનમાં કોલેજના તમામ સ્ટાફનો સહયોગ રહ્યો.
પ્રિન્સિપાલ ડૉ. ચંદ્રિકાબેન સોલંકીએ અંતમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામનું આભાર માન્યું અને વિદ્યાર્થિનીઓને આવનારા સમયમાં સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના સંકલ્પ સાથે આગળ વધવા પ્રેરિત કર્યા.