ભાવનગરના નિલમબાગ પેલેસ હોટેલ ખાતે ગુજરાત રાજ્ય વન વિભાગ અને જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી (JICA)ના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલા પ્રોજેક્ટ ફોર ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન ઇન ગુજરાત (PERG) અંતર્ગત સૌરાષ્ટ્રના તમામ રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ (RFO) માટે તા. ૦૨/૦૯/૨૦૨૫ના રોજ એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય વન સંરક્ષક તથા PERG પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. કે. શશીકુમાર, ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. મોહન રામ, ભાવનગર વન વિભાગના નાયબ વન સંરક્ષક યોગેશ દેસાઈ, બોટાદના નાયબ વન સંરક્ષક ગોવિંદસિંહ સરવૈયા, PERG કમિટી મેમ્બર આર. એમ. દેસાઈ, IUCN તથા TERI જેવી સંસ્થાઓના નિષ્ણાતો અને ક્લાઈમેટ ચેન્જ એડવાઈઝર શ્વેતલ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહજી ગોહિલના હસ્તે PERG પ્રોજેક્ટ માટે વન વિભાગને અપાયેલી નવી બાઇકોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું.
વર્કશોપમાં ગ્રાસલેન્ડ (ઘાસભૂમિ), વેટલેન્ડ (જળપ્લાવિત વિસ્તાર) ઇકોસિસ્ટમ વિકાસ, માનવ-વન્યપ્રાણી ઘર્ષણ નિવારણ, ભૂમિ તથા ભેજ સંરક્ષણ, વાઇલ્ડલાઇફ ગ્રુવ્ઝ તથા મેન્ગ્રુવ્ઝ ઇકોસિસ્ટમ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મરીન સાયન્સ વિભાગ (મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી)ના પીએચડી સ્કોલર ધ્રુવ જે. સુતરીયાએ ‘મેન્ગ્રુવ ઇકોસિસ્ટમ’ પર તેમજ સર પી.પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના પીએચડી સ્કોલર ક્રિષ્ના આઈ. ગઢવીએ ‘ભાવનગરના ઘાસના મેદાનો’ પર વિસ્તૃત પ્રસ્તુતિ કરી હતી.
સાથે જ ભાવનગર, જૂનાગઢ, ગીર પૂર્વ, ગીર પશ્ચિમ, શેત્રુંજય, અમરેલી, બોટાદ, મોરબી અને પોરબંદરના RFOઓએ પોતાના ક્ષેત્રમાં કરવામાં આવેલી કામગીરી અને અનુભવ અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે PERG પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ દરિયાકાંઠાના ચેર તથા શેલ્ટર બેલ્ટનો વિકાસ, ઘાસિયા મેદાનો અને જળપ્લાવિત વિસ્તારોનું પુનઃનિર્માણ, માનવ-વન્યપ્રાણી ઘર્ષણ નિવારણ તથા સંસ્થાકીય મજબૂતીકરણ દ્વારા નિવસન તંત્રની સેવાઓને પુનઃજીવિત કરવાનો છે.
આ વર્કશોપ રાજ્યના પર્યાવરણ અને સામાજિક-આર્થિક વિકાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થવાનો છે.
અહેવાલ : સતાર મેતર, ભાવનગર