ભાવનગરવાસીઓએ ‘હું છું ભારત…હું છું ભાવનગર’ સંદેશથી પ્રગટાવ્યો અનોખો દેશપ્રેમ.

ભાવનગર, તા. ૨૦ સપ્ટેમ્બર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ભાવનગરના લોકોએ અનોખી રીતે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કર્યો. કાર્યક્રમમાં હાજરી આપનારોએ “હું છું ભારત… હું છું ભાવનગર” સંદેશ સાથેના ક્રિએટિવ બેનર્સ પ્રદર્શિત કરીને દેશપ્રેમ અને સ્થાનિક સર્જનાત્મકતાનું ઉદાહરણ આપ્યું.

જવાહર મેદાન ખાતે યોજાયેલી સભામાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બેનર્સની રચના એવી રીતે કરવામાં આવી હતી કે મોટા અક્ષરો વાંચવામાં “હું છું ભારત…” સ્પષ્ટ દેખાતાં અને નાના અક્ષરો સાથે વાંચવામાં “હું છું ભાવનગર” દર્શાવાતા હતા. આ અનોખી ડિઝાઇન દ્વારા સ્થાનિકો દ્વારા ન માત્ર દેશપ્રેમ, પરંતુ ભાવનગરની કલા અને સર્જનાત્મકતાની આગવી ઓળખ પણ પ્રગટાવી.

કાર્યક્રમમાં ભાગ લેનાર લોકોએ બેનર્સને સાથ આપતા એક જીવંત અને ઉત્સાહભર્યો માહોલ સર્જાયો. વિદ્યાર્થીઓ અને અન્ય ઉપસ્થિત લોકો દ્વારા ક્રિએટિવ બેનર્સ અને સંદેશના માધ્યમથી દેશપ્રેમ અને સ્થાનિક સંસ્કૃતિનું પ્રદર્શન કરાયું. આ ઘટના ભાવનગરની કલા અને સર્જનાત્મકતાના ક્ષેત્રે આગવી ઓળખ તરીકે નોંધાઈ છે, જે અન્ય શહેરો અને કાર્યક્રમો માટે પ્રેરણાસૂત્ર તરીકે પણ કામ કરી શકે છે.

અહેવાલ: સતાર મેતર, ભાવનગર