ભાવનગર આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિને વેગ આપવા જિલ્લાના એક લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ અપાઈ

ભાવનગર

પ્રાકૃતિક ખેતી પર્યાવરણના સંરક્ષક સમાન બની છે ત્યારે પ્રાકૃતિક ખેતીથી જમીનમાં રહેલા મૂળ તત્વો ઉપજ સાથે જળવાઈ રહેતા લોકોના આરોગ્ય માટે પણ આશીર્વાદ સમાન બની છે. પ્રકૃતિક ખેતી કેમિકલ મુકત ખેતી હોવાને લીધે પ્રકૃતિનું સંવર્ધન પણ થાય છે

રાજ્ય કક્ષાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને જિલ્લા કક્ષાએ કલેકટરશ્રી આર. કે. મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટ ભાવનગર દ્વારા આયોજિત થતી ખેડૂત તાલીમમાં વર્ષ ૨૦૨૩-૨૪મા સુધીમાં કુલ 105075 થી વધુ ખેડૂતોએ તાલીમ લઈને પ્રાકૃત્તિક ખેતીની વિધિવત જાણકારી પ્રાપ્ત કરી છે.

પ્રાકૃતિક ખેતી એટલે દેશી ગાય આધારિત ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આત્મા પ્રોજેક્ટ ભાવનગર દ્વારા નિરંતર તાલીમોનું આયોજન ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવી રહ્યુ છે. આ માટે જિલ્લામાં ક્લસ્ટર બનાવીને તેમાં ફાર્મર માસ્ટર ટ્રેનર અને ટેકનીકલ માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવાની કામગીરી જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીનાસીધા માર્ગદર્શન હેઠળ આપવામાં આવે છે. જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪મા પ્રાકૃતિક ખેતીને વેગ આપવા જિલ્લામાં આત્મા દ્વારા પ્રાકૃતિક કૃષિની કુલ 5264 તાલીમો દ્વારા 105075 થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે.
પ્રાકૃતિક ખેતીના તમામ મુદ્દાઓ એટલે કે બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાપ્સા તેમજ સહજીવન પાકો તેમજ પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ બાગાયતી મોડલ ફાર્મ અંગે વિગતવાર તાલીમ આપવામાં આવી હતી તાલીમના માધ્યમથી ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને કોઈ પણ પ્રકારના ખર્ચ વિના, બાહ્યથી કોઈ પણ પ્રકારની સામગ્રી ખરીદ્યા વિના થતી પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત થયા છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતી ઉપજ રસાયણ મુક્ત હોવાની સાથે માનવ સ્વાસ્થ્ય અને પ્રકૃતિને નુકસાનકારક હોતી નથી.

નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવા પાક સંરક્ષણના આયામો ખેડૂતો જાતે જ બનાવી શકે તે હેતુથી તેના મહત્વ અને નિદર્શન આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગ દ્વારા ખેડૂતોને તાલીમમાં ઉપસ્થિત રાખીને પુરૂ પાડવામાં આવે છે.

અહેવાલ:- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)