ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક મહત્વપૂર્ણ કામગીરીને અંજામ આપ્યો છે. શહેર અને આસપાસના વિસ્તારમાં દારૂ, જુગાર તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓના પરદાફાશ માટે આયોજિત ડ્રાઈવ હેઠળ એલ.સી.બી. ટીમે 1500 લીટર જેટલું જ્વલનશીલ પ્રવાહી તેમજ પીકઅપ વાહન સહિત રૂ. 5.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
વિશેષ માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એ.આર. વાળાની સૂચના મુજબ પેટ્રોલિંગ દરમિયાન રંઘોળા ચોકડી નજીક રાજવી પેટ્રોલ પંપમાં શંકાસ્પદ હાલતમાં એક બોલેરો મેકસ પીકઅપ વાહન જોવા મળ્યું હતું.
આ રજીસ્ટ્રેશન નંબર GJ-04AW 8205 ધરાવતું વાહન ચકાસતા તેના પાછળના ભાગે સફેદ કલરના ટાંકામાં પેટ્રોલ-ડીઝલ સિવાય બીજું કોઇ જ્વલનશીલ પ્રવાહી ભરેલ હોવાની પુષ્ટિ થતાં એલસીબી ટીમે તાત્કાલિક નાયબ પોલીસ અધિક્ષક, ભાવનગર વિભાગને જાણ કરી, સમગ્ર કાર્યવાહી ઉમરાળા પોલીસ સ્ટેશનને સોંપી.
જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામના રહેવાસી કલ્પેશભાઇ ટીખાભાઇ ડાંગર નામના શખ્સને ઘટનાસ્થળેથી જ ધરપકડ કરવામાં આવી છે. સ્થળ પરથી મળેલ મુદ્દામાલમાં નીચેનો સમાવેશ થાય છે:
જ્વલનશીલ પ્રવાહી: કુલ 1500 લિટર, અંદાજિત કિંમત ₹75,000/-
બોલેરો મેકસ પીકઅપ વાહન (GJ-04AW-8205): અંદાજિત કિંમત ₹5,00,000/-
પ્રવાહી ભરવાના સાધન (ગન): કિંમત ₹10,000/-
કુલ મુદ્દામાલ: ₹5,85,000/-
હાલ પોલીસ દ્વારા જપ્ત કરાયેલા પ્રવાહીના નમૂનાઓ માટે ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે, જેથી એ સ્પષ્ટ થઈ શકે કે તે પેટ્રોલ, ડીઝલ છે કે અન્ય કોઈ દહનશીલ કેમિકલ. સાથે જ, આરોપી પાસેથી આ પ્રવાહી ક્યાંથી લાવાયું, કોણે પૂરું પાડ્યું અને તેનો કયા હેતુ માટે ઉપયોગ થવાનો હતો — તેવી દિશામાં પણ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
કામગીરીમાં સક્રિય રહીને મદદરૂપ થયેલા સ્ટાફ:
પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.ડી. ઝાલા અને એલ.સી.બી.ના જાંબાઝ સ્ટાફમાં બીજલભાઈ કરમટિયા, જયદાનભાઈ લાંગાવદરા, ફાલ્ગુનસિંહ ગોહિલ, શૈલેષભાઈ ચાવડા અને હરિચંદસિંહ દિલુભાએ ચપળતા દર્શાવી હતી.
આ કામગીરીથી ફરી એકવાર એલસીબીની ચુસ્ત કામગીરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામેના કડક વલણની ઝલક જોવા મળી છે.
અહેવાલ: સતાર મેતર, સિહોર