ભાવનગર ખાતે કન્ટેનર ઉત્પાદક કંપનીની મુલાકાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, ઉત્પાદન પ્રક્રિયાનું નિરીક્ષણ અને માર્ગદર્શન આપ્યું.

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમના ભાવનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન કન્ટેનર બનાવતી કંપની “આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી.” ની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા તથા રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા પણ વિશેષ ઉપસ્થિતિમાં જોડાયા હતા.

આ દરમિયાન મંત્રીઓએ કન્ટેનર ઉત્પાદનમાં ઉપયોગ થતી ટેકનોલોજી, વ્યવસ્થા અને ઉત્પાદન પ્રક્રિયાનો તદ્દન નજીકથી અભ્યાસ કર્યો હતો. તેમણે કંપની દ્વારા તૈયાર થતાં કન્ટેનરો અંગેની વિગતવાર માહિતી મેળવી અને આવશ્યક સૂચનો આપ્યા હતા.

હાલે નવાગામ ખાતે આવેલી આ કંપની રોજસે ૧૫ જેટલા કન્ટેનરો તૈયાર કરે છે, પરંતુ આગામી સમયમાં રોજના ૧૦૦ કન્ટેનર સુધી ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. રેલ મંત્રીએ જણાવ્યું હતું કે ભાવનગર કન્ટેનર હબ તરીકે વિકસિત થઈ રહ્યું છે અને વૈશ્વિક માંગને પહોંચી વળવા અહીંના ઉદ્યોગોને કેન્દ્ર સરકાર દ્વારા પૂરતું સહયોગ આપવામાં આવશે.

મંત્રીઓએ આવડકૃપા પ્લાસ્ટોમેક કંપનીના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું કે દેશમાં બનેલા કન્ટેનરોની માંગ આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહી છે ત્યારે આવાં ઉદ્યોગો આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યા છે.

આ અવસરે જિલ્લાના કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા, એસ.પી. હર્ષદ પટેલ અને કંપનીના હસમુખભાઈ પટેલ સહિત જિલ્લા સ્તરના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : સતાર મેતર, ભાવનગર