ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે ભાવનગરના સરદાર પટેલ રમત સંકુલ, સિદસર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સ્પોર્ટ્સ ડે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન કેન્દ્રિય અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગની રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ કર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું કે, “રમતો થકી ટીમ વર્ક, મહેનત, શિષ્ટાચાર અને ખેલદિલીની ભાવના ઉજાગર થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત દેશ રમત ક્ષેત્રે અનેક નવા કિર્તીમાન સ્થાપી રહ્યું છે.”
તેમણે ઉમેર્યું કે, ખેલ મહાકુંભ–2025 તથા સાંસદ ખેલ મહોત્સવ માટે આજે જ રજીસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે. આ બંને સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ તથા યુવાનોને વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પોતાનાં બાળપણના અનુભવ યાદ કરી રમતગમતની મહત્વતા વિશે વાત કરી. જિલ્લા કલેક્ટર ડૉ. મનિષ કુમાર બંસલે રમતવીરોને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, “રમતોથી વ્યક્તિત્વના અનેક ગુણો વિકસે છે, તેથી દરેકે એકાદ રમતમાં તો સિદ્ધિ મેળવવી જ જોઇએ.”
જિલ્લા રમતગમત અધિકારી નરેશકુમાર ગોહિલે કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ કાર્યક્રમમાં કમિશનર એન.કે. મીના, મ્યુનિસિપલ પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા, જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા, જિલ્લા શાસનાધિકારી, રમતવીરો તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર ભાવનગરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
અહેવાલ : સતાર મેતર, ભાવનગર