ભાવનગર ખાતે સાંસદ ખેલ મહોત્સવ–૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે બેઠક, કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાનો વધુમાં વધુ સહભાગિતાનો અનુરોધ.

ભાવનગર: સાંસદ ખેલ મહોત્સવ–૨૦૨૫ને સફળ બનાવવા માટે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લામાંથી જોડાયેલા અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કેન્દ્રિય રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, સાંસદ ખેલ મહોત્સવનો મુખ્ય હેતુ યુવાનોમાં રહેલી શક્તિ, કુશળતા અને પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ આપવાનો છે. સાથે જ ગામડાની જૂની રમતોને ફરીથી પ્રોત્સાહન મળી રહે તે માટે આ મહોત્સવ કારગર સાબિત થશે.

📅 સ્પર્ધાની તારીખો:

  • તાલુકા પંચાયત સીટ પર પ્રારંભ: ૧૧, ૧૨ અને ૧૩ નવેમ્બર, ૨૦૨૫

  • તાલુકા/ઝોન સ્તર: ૧૭, ૧૮ અને ૧૯ નવેમ્બર, ૨૦૨૫

  • જિલ્લાકક્ષાની સ્પર્ધા: ૨૫ નવેમ્બર, ૨૦૨૫, સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

🏆 રમતગમતનો સમાવેશ:
આ મહોત્સવમાં ૧૪થી વધુ રમતો યોજાશે જેમાં એથ્લેટિક્સની ૫૦ મીટર અને ૧૦૦ મીટર દોડ, લાંબીકૂદ, ગોળાફેંક, બાસ્કેટબોલ, કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, વોલીબોલ, સંગીત ખુરશી (બહેનો માટે), લીંબુ ચમચી, સ્લો સાઇકલ, સિક્કા શોધ, નાર્ગેલ અને કોથળા દોડ જેવી રમતોનો સમાવેશ છે.

ઉંમર અનુસાર વિભાગ:
સ્પર્ધામાં ૧૫ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો ભાગ લઈ શકશે. તેમને ચાર વિભાગમાં વહેંચવામાં આવશે:

  • ૧૫ થી ૨૦ વર્ષ

  • ૨૧ થી ૩૫ વર્ષ

  • ૩૬ થી ૫૦ વર્ષ

  • ૫૧ થી વધુ ઉંમર

📌 રજીસ્ટ્રેશનની વિગતો:
સાંસદ ખેલ મહોત્સવ–૨૦૨૫ માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ૨૯ ઓગસ્ટથી શરૂ થઈ ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી ચાલુ રહેશે. લોકો માટે ઓનલાઈન લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મંત્રીએ અપીલ કરી હતી કે જિલ્લાભરના નાગરિકોએ વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવું જોઈએ જેથી ખેલ મહોત્સવ દ્વારા અનેક નવા ખેલાડીઓ અને પ્રતિભાઓ પ્રકાશમાં આવે અને તેઓ આગળ વધીને અન્ય ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની શકે.

આ બેઠકમાં મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા, જિલ્લા કલેક્ટર ડૉ. મનિષ કુમાર બંસલ સહિત જિલ્લા સ્તરના અધિકારીઓ હાજર રહ્યા હતા.
સાથે જ ડેપ્યુટી મેયર મોના પારેખ, પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા, અધિક નિવાસી કલેક્ટર એન.ડી. ગોવાણી, જિલ્લા રમત ગમત અધિકારી નરેશકુમાર, યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ પરમાર તથા અગ્રણીઓ દિગ્વિજયસિંહ ગોહિલ અને ભરતભાઈ મેર પણ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: સતાર મેતર, ભાવનગર