ભાવનગર જિલ્લામાં 28 મેડિકલ સ્ટોરનું એસ.ઓ.જી. દ્વારા ચેકિંગ; પાલીતાણાના મેડિકલ સ્ટોરને સીલ.

ભાવનગર જિલ્લાની એસ.ઓ.જી. ટીમ દ્વારા આજે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ અને રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના પ્રમાણે વિશિષ્ટ ડ્રાઈવ ચલાવી, કુલ 28 જેટલા મેડિકલ સ્ટોરનું એકસાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.

આ ચેકિંગ દરમ્યાન ખાસ કરીને NDPS ઍક્ટ હેઠળ આવનારી નશીલી દવાઓ, કોડેન તત્વ ધરાવતી કફ સિરપ તેમજ શિડયુલ Hમાં આવતી દવાઓ ડોક્ટરનાં પ્રિસ્ક્રિપ્શન વિના વેચાઈ રહી છે કે કેમ? તેમજ સ્ટોક રજીસ્ટર મુજબ જાળવણી થઈ રહી છે કે નહીં – તે મુદ્દાઓની સખતતાથી તપાસ કરવામાં આવી.

તપાસ દરમિયાન તળાજા, પાલીતાણા, નીલમબાગ અને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનની હદના ચાર મેડિકલ સ્ટોરમાં અનિયમિતતાઓ જોવા મળી. પાલીતાણા ટાઉન વિસ્તારમાં આવેલા એક મેડિકલ સ્ટોરમાં ગંભીર બેદરકારી બહાર આવતા ડ્રગ્સ વિભાગ દ્વારા તે મેડિકલ સ્ટોરને સ્થળ પર જ સીલ કરવામાં આવ્યો હતો, જ્યારે બાકીના ત્રણ મેડિકલ સ્ટોર સામે પણ નિયમભંગને પગલે વધુ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ ચેકિંગની સમગ્ર કામગીરી એક જ સમયે સમગ્ર જિલ્લામાં ચલાવવામાં આવી હતી, જેમાં વિવિધ પોલીસ મથકોના અધિકારીઓ અને ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ સંયુક્ત કામગીરી આપી.

જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર આવા મેડિકલ સ્ટોર, જ્યાંથી દવાઓ નશીલા તત્વ તરીકે ગેરકાયદેસર રીતે વિતરણ થવાની શક્યતા હોય, તેમની સામે ભવિષ્યમાં વધુ તીવ્ર કાર્યવાહીઓ હાથ ધરાશે. લોકોને પણ અપીલ કરાઈ છે કે તેઓ ડોક્ટરના પત્ર વિના આવાં નશીલા પ્રોડક્ટનો ઉપયોગ ન કરે અને કોઈ શંકાસ્પદ વેચાણ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરે.

અહેવાલ: સતાર મેતર, સિહોર