ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે 79મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી યોજાઈ. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર શ્રી ધવલ પંડ્યા અને પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હર્ષદ પટેલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વર્ષ 2024-25 માટેની ભાવનગર જિલ્લા વિકાસ વાટિકાનું વિમોચન કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલે જણાવ્યું કે વિકાસ વાટિકા માત્ર આંકડા અને માહિતીનો દસ્તાવેજ નથી, પરંતુ જિલ્લાનાં વિકાસયાત્રાનું પ્રતિબિંબ છે. તેમણે ઉમેર્યું કે આ પુસ્તિકા દ્વારા લોકો જિલ્લામાં થયેલા સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિવર્તનો વિશે વિસ્તૃત જાણકારી મેળવી શકશે.
ઉલ્લેખનીય છે કે ભાવનગર વિકાસ વાટિકા-2024-25નું પ્રકાશન નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી અને જિલ્લા આયોજન અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ પુસ્તિકાનું સંપાદન ભાવનગર જિલ્લા માહિતી કચેરીના ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક શ્રી રેસુંગ ચૌહાણ, સિનિયર સબ એડિટર શ્રી સુનિલ મકવાણા તથા માહિતી મદદનીશ શ્રી કૌશિક શિશાંગીયા દ્વારા કરવામાં આવ્યું છે.
પુસ્તિકામાં ભાવનગર જિલ્લાનો પ્રાચીન ઇતિહાસ, લોકસંસ્કૃતિ, ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રની પ્રગતિ, શૈક્ષણિક સિદ્ધિઓ તેમજ વિવિધ વિકાસ પ્રકલ્પોની સફળ વાર્તાઓનો સમાવેશ કરાયો છે. આ સાથે, જિલ્લા વિકાસના ભાવિ લક્ષ્યો અને યોજનાઓનું પણ વર્ણન છે, જેથી આવનારા વર્ષોમાં જિલ્લાને વધુ પ્રગતિશીલ બનાવવા માટેનો માર્ગ સ્પષ્ટ થાય.
પાલીતાણાની આ ઉજવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરતાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને દેશભક્તિના નાદ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.