ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 4 સિંહોને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યા

ભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 96 સિંહોના જીવ બચાવાયા છે.ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, શ્રી માશૂક અહમદે જણાવ્યું કે 09.12.2024 (સોમવાર)ના રોજ, લોકો પાયલોટ શ્રી વિવેક વર્મા (મુખ્ય મથક-સુરેન્દ્રનગર) અને વરિષ્ઠ સહાયક લોકો પાયલટ શ્રી આશુતોષ મિશ્રા (મુખ્ય મથક-સુરેન્દ્રનગર)એ જ્યારે લીલીયા મોટા-સાવરકુંડલા સેક્શન વચ્ચે રેલ્વે ટ્રેક ઓળંગતા સિંહને જોયો ત્યારે હાપાથી પીપાવાવ પોર્ટ તરફ જતી માલગાડીને ઈમરજન્સી બ્રેક લગાવીને રોકી દીધી હતી. એક સિંહે રેલવે ટ્રેક ઓળંગ્યા બાદ અન્ય ત્રણ સિંહોએ રેલવે ટ્રેક ક્રોસ કર્યો હતો. ટ્રેન મેનેજર (ગાર્ડ) અને ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ (સાવરકુંડલા) ને લોકો પાઇલોટ દ્વારા જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફોરેસ્ટ ગાર્ડ થોડી જ વારમાં ઘટનાસ્થળે પહોંચી ગયા અને જોયું કે સિંહો રેલવે ટ્રેક પરથી દૂર હટી ગયા હતા. ત્યારપછી જ્યારે તમામ સ્થિતિ સામાન્ય જોવા મળી ત્યારે ફોરેસ્ટ ગાર્ડ દ્વારા લોકો પાઈલટને ત્યાંથી જવા માટે કહેવામાં આવ્યું. ડિપાર્ચર સિગ્નલ મળ્યા બાદ ટ્રેનને લોકો પાયલોટ દ્વારા ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.માહિતી પ્રાપ્ત થતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)