ભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 104 સિંહોના જીવ બચાવાયા છે.ભાવનગર ડિવિઝનના સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, શ્રી માશૂક અહમદે માહિતી આપી હતી કે 15.12.2024 (રવિવાર)ના રોજ લોકો પાયલટ શ્રી ધવલભાઈ પી. (મુખ્ય મથક-સુરેન્દ્રનગર)એ કિમી 22/14-22/15 વચ્ચે રાજુલા સિટી-પીપાવાવ સેક્શનમાં 5 સિંહોને રેલવે ટ્રેક પાર કરતા જોયા તરત જ તેને ઈમરજન્સી બ્રેક લગાવીને હાપાથી પીપાવાવ પોર્ટ તરફ જતી માલગાડી ને રોકી દીધી હતી.
તત્પશ્ચાત આ ઘટના સંદર્ભે ટ્રેન મેનેજર (ગાર્ડ) શ્રી લોકેશ સાહ (હેડક્વાર્ટર-બોટાદ) ને લોકો પાયલોટ દ્વારા જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ ગાર્ડે ઘટનાસ્થળે પહોંચીને તમામ સ્થિતિ સામાન્ય જણાતાં તેને પ્રસ્થાનનો સંકેત આપ્યા, ત્યાર બાદ લોકો પાયલટ દ્વારા ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી. 14.12.2024 (શનિવાર) ના રોજ, લોકો પાયલટ શ્રી સુનીલ પંડિત (મુખ્ય મથક-જૂનાગઢ)ને ચલાલા-ધારી સેક્શનમાં કિ.મી. 53/2-53/3 વચ્ચે એક સિંહણ બે બચ્ચા સાથે રેલવે ટ્રેક ક્રોસ કરતી જોવા મળી હતી ત્યારે લોકો પાયલટ દ્વારા પેસેન્જર ટ્રેન નં. 09292 અમરેલી-વેરાવળને ઇમરજન્સી બ્રેક લગાવીને અટકાવવામાં આવી હતી. ત્યાર બાદ ટ્રેન મેનેજર (ગાર્ડ) શ્રી વિદ્યાનંદ કુમાર (મુખ્યમથક-જૂનાગઢ) ને લોકો પાઇલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફોરેસ્ટ ગાર્ડ થોડી જ વારમાં ઘટનાસ્થળે પહોંચી ગયા અને જોયું કે સિંહો રેલવે ટ્રેક પરથી દૂર હટી ગયા હતા.
ત્યારપછી જ્યારે તમામ સ્થિતિ સામાન્ય જણાઈ ત્યારે ફોરેસ્ટ ગાર્ડ દ્વારા લોકો પાઈલટને ત્યાંથી જવા માટે કહેવામાં આવ્યું હતું. ડિપાર્ચર સિગ્નલ મળ્યા બાદ, ટ્રેનને લોકો પાયલોટ દ્વારા ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.માહિતી પ્રાપ્ત થતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)