જૂનાગઢ, તા. ૪ — પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા સિંહો અને અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. મંડળના નિર્દેશ મુજબ, ટ્રેનો ચલાવતા લોકો પાયલટો નિર્ધારિત ઝડપનું પાલન કરીને વિશેષ સતર્કતાથી કામગીરી કરે છે, જેથી કોઈપણ દુર્ઘટના ટાળી શકાય.
આ સતર્કતાના કારણે ગયા નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન લોકો પાયલટો અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરોની મદદથી કુલ 159 સિંહોના જીવ બચાવવામાં આવ્યા હતા. હાલના નાણાકીય વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં 29 સિંહોના જીવ બચાવી લેવાયા છે.
તાજેતરની ઘટના મુજબ, તા. 4 ઓગસ્ટ 2025 (સોમવાર)ના રોજ લોકો પાયલટ બલિરામ કુમાર (મુખ્યાલય – જૂનાગઢ) અને સહાયક લોકો પાયલટ હરદીપ ગરલા (મુખ્યાલય – જૂનાગઢ) દ્વારા જૂનાગઢ-વેરાવળ મીટરગેજ સેક્શન વચ્ચે કિમી નં. 11/01 થી 11/02 દરમિયાન ચાર સિંહો — એક પુખ્ત સિંહ, એક સિંહણ અને તેમના ત્રણ બચ્ચાં — રેલવે ટ્રેક પર સૂતા જોવા મળ્યા.
તત્કાળ લોકો પાયલટે જૂનાગઢથી વેરાવળ તરફ જતી પેસેન્જર ટ્રેન (નં. 52946)ને ઇમર્જન્સી બ્રેક લગાવીને રોકી દીધી. બાદમાં ટ્રેન મેનેજર (ગાર્ડ)ને જાણ કરવામાં આવી અને ફોરેસ્ટ ટ્રેકરોને બોલાવવામાં આવ્યા. ફોરેસ્ટ ટ્રેકરોએ સિંહોને સલામત રીતે ટ્રેક પરથી દૂર હટાવ્યા. પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થયા પછી ટ્રેનને આગળ વધારવાની મંજૂરી આપવામાં આવી.
આ પ્રસંગ અંગે જાણ થતાં મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક હિમાંશુ શર્મા તેમજ અન્ય અધિકારીઓએ લોકો પાયલટોના પ્રશંસનીય કાર્યની સરાહના કરી અને તેમને અભિનંદન પાઠવ્યા.