ભાવનગર રેલવે ડિવિઝનમાં ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવાયો: અધિકારીઓ અને કર્મચારીઓએ યોગ સાધનામાં લીધો ઉત્સાહપૂર્વક ભાગ

ભાવનગર – પશ્ચિમ રેલવે:
૨૧ જૂન ૨૦૨૫ના રોજ સમગ્ર દેશભરમાં યોજાતા ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા વિવિધ સ્થળોએ યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું.
આ યોગદિનની થીમ હતી – “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ” – જે અનુસાર સવારે ૭ વાગ્યે વિવિધ સ્ટેશનો અને ડિવિઝનલ ઓફિસ પર યોગ સત્ર યોજાયા.

ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર, એડિશનલ DRM હિમાંશુ શર્મા, તથા સિનિયર DCM અતુલ ત્રિપાઠીની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પતંજલિ યોગ સમિતિ-ભાવનગરના યોગ પ્રશિક્ષક દ્વારા કોમન યોગ પ્રોટોકોલ મુજબ આસન, પ્રાણાયામ અને ધ્યાનની તાલીમ આપવામાં આવી.

અધિકારીઓ અને કર્મચારીઓએ તાડાસન, વજ્રાસન, પવનમુક્તાસન, કપાલભાતી, અનુલોમ-વિલોમ જેવા યોગાસનો ઉત્સાહપૂર્વક કર્યા.
રેલવે સુરક્ષા બળના જવાનોએ પણ યોગ સાધનામાં સક્રિય ભાગ લીધો.
ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે દરેકને યોગને રોજિંદા જીવનમાં અપનાવા માટે પ્રેરણા આપી અને તંદુરસ્ત જીવન માટે યોગના મહત્વને ઉજાગર કર્યું.

આ યોગ કાર્યક્રમના સફળ આયોજન માટે વેલફેર ટીમે સંકલન અને સંચાલનની જવાબદારી નિભવી.
સાથે સાથે ભાવનગર ડિવિઝનના વિવિધ સ્ટેશનો જેમ કે ભાવનગર ટર્મિનસ, બોટાદ, વેરાવલ, પોરબંદર, જૂનાગઢ, સિહોર, ભાણવડ, અમરેલી, ઢસા, લાઠી, જેતલસર અને ગાંધીગ્રામ પર પણ યોગ કાર્યક્રમો યોજાયા હતા.

આ કાર્યક્રમો દ્વારા સામૂહિક આરોગ્ય જાગૃતિ, શારીરિક ક્ષમતા વિકાસ, અને માનસિક શાંતિ તરફના પગલાંઓને મહત્વ આપવામાં આવ્યું.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ