
ભાવનગર, તા. ૩૦ એપ્રિલ ૨૦૨૫:
પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝનમાં આજે **ડિવિઝનલ રેલવે કન્ઝ્યુમર કન્સલ્ટેટિવ કમિટી (DRUCC)**ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં મુસાફરોની સુવિધાઓ સુધારવા અને રેલવે સંબંધિત સમસ્યાઓ પર હકારાત્મક ચર્ચા થઈ.
ડિવિઝનલ ઑફિસ, ભાવનગર ખાતે યોજાયેલી બેઠકમાં સિનિયર ડીવીઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠી દ્વારા મિટિંગની શરૂઆત કરવામાં આવી હતી. તેમણે ‘અમૃત સ્ટેશન યોજના’ હેઠળ વિકસાવવામાં આવતા સ્ટેશનો અંગે વિસ્તૃત માહિતી આપી.
ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારએ ભાવનગર મંડળની સિદ્ધિઓ અને ચાલી રહેલી પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી. તેમણે જણાવ્યુ કે મુસાફરોની સુવિધાઓનો વિકાસ મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સભ્યો દ્વારા કરવામાં આવેલી વાજબી માંગણીઓનું ટૂંક સમયમાં નિરાકરણ લાવવામાં આવશે.
આ બેઠકમાં પાવર પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ આયોજન, વિકાસ પ્રોજેક્ટ અને સુવિધાઓ અંગેની માહિતી આપવામાં આવી હતી. સભ્યોએ નવા ટ્રેનો શરૂ કરવા, સ્ટેશનોની સફાઈ, સુરક્ષા અને પેસેન્જર સુવિધા વધારવા જેવા મુદ્દે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા.
ઉપસ્થિત મહત્વપૂર્ણ સભ્યોમાં ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, બૈજુ મેહતા, અનીશ રાછ, ધર્મેન્દ્ર વડોદરિયા, જયંતિભાઈ રામોલિયા, પ્રવિણસિંહ ઝાલા, મહેન્દ્ર શાહ, ઉપેન્દ્રભાઈ જાની અને કિશોરકુમાર પોંકિયા નો સમાવેશ થાય છે.
એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાંશુ શર્મા સહિત ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકના અંતે ત્રિપાઠી સાહેબે તમામ સભ્યોનો આભાર માન્યો અને રેલવે વિકાસ માટે મળેલી સૂચનાઓને અમલમાં મૂકવા પ્રતિબદ્ધતા દર્શાવી.
રિપોર્ટ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ