ભાવનગર રેલવે મંડળ કચેરી ખાતે રેલ્વે કર્મચારીઓ માટે “પ્રકૃતિ પરીક્ષણ અભિયાન” હાથ ધરવામાં આવ્યું

ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા 26 નવેમ્બર 2024 થી 25 ડિસેમ્બર 2024 દરમિયાન “દેશનું પ્રકૃતિ પરીક્ષણ અભિયાન” ચલાવવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન પર શેઠ જે.પી. ગવર્નમેંટ આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ, ભાવનગરના સૌજન્યથી, 17 ડિસેમ્બર, 2024 (મંગળવાર) ના રોજ મંડળ કચેરીના કોન્ફરન્સ રૂમમાં “દેશનું પ્રકૃતિ પરીક્ષણ અભિયાન” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ અપર મંડળ રેલ પ્રબંધક શ્રી હિમાઁશુ શર્માની અધ્યક્ષતામાં આયોજિત આ સેમિનારમાં ભાવનગરની આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલ ડૉ.નરેશ કુમાર જૈને આ અભિયાન અંગે સંબંધિત માહિતી પૂરી પાડી હતી. અને તમામ રેલ્વે કર્મચારી ભાઈઓ અને બહેનોને પ્રકૃતિ પરીક્ષા મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને પ્રકૃતિ પરીક્ષણ કરાવવા માર્ગદર્શન આપ્યું.આ પ્રસંગે ભાવનગરની આયુર્વેદિક કોલેજના પ્રોફેસર ડો.અશોક શર્મા, ડો.રવિ શર્મા, ડો.અનિલ અગ્રવાલ, ડો.રમેશ પાંડે, ડો.સંદીપ અને વિદ્યાર્થીઓ દ્વારા તમામ કર્મચારીઓની પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રકૃતિ પરીક્ષણ કાર્યક્રમ ડિવિઝનલ ઓફિસમાં 18 ડિસેમ્બર, 2024 (બુધવાર)ના રોજ પણ ચાલુ રહેશે.

મંગળવારે લગભગ 135 રેલ્વે કર્મચારીઓના પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવી હતી.મંડળ રેલ પ્રબંધક શ્રી રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ અને વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી અમરસિંહ સાગરની દેખરેખ હેઠળ કલ્યાણ વિભાગની ટીમ દ્વારા આ સેમિનારનું સુંદર આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)