ભાવનગર રેલ્વે ડિવિઝનમાં 76માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

ભાવનગર રેલવે ડિવિઝનમાં 26મી જાન્યુઆરી, 2025 (રવિવાર)ના રોજ 76માં ગણતંત્ર દિવસની ઉજવણી પૂરા ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે રેલ્વે સ્ટેડીયમ ભાવનગર પરા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી હતી. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, સહાયક મંડલ સુરક્ષા આયુક્ત (રેલ્વે પ્રોટેક્શન ફોર્સ) શ્રી લાલ બહાદુર સિંહની આગવાનીમાં, ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સના સભ્યો, સેન્ટ જોન એમ્બ્યુલન્સ, નર્સિંગ યુનિટ્સ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સના સૈનિકો દ્વારા આ પ્રસંગે પરેડની સુંદર ઝાંખી રજૂ કરવામાં આવી હતી.

જેનું ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમાર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરેડનું નેતૃત્વ પરેડ કમાન્ડર શ્રી મહાવીર સિંહ (ઇન્સ્પેક્ટર-ભાવનગર ટર્મિનસ) દ્વારા કરવામાં આવ્યું હતું. તે પછી, ડિવિઝનલ રેલ્વે મેનેજરે આ પ્રસંગે પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રનો સંદેશ વાંચી સંભળાવ્યો અને તેમણે 76માં પ્રજાસત્તાક દિને સમારોહમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ, તેમના પરિવારજનો અને નાગરિકોને અભિનંદન પાઠવ્યા. પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા સંચાલિત બાલ મંદિર અને કિડ્સ હટ અને પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ભાવનગર પરાના બાલકો દ્વારા રસપ્રદ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.


આ પ્રસંગે મંડળ કચેરીના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, તેમના પરિવારજનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે કાર્યક્રમને સફળ બનાવવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મચારીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજુઆત કરનાર બાળકોને પુરસ્કૃત કર્યા હતા. પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સમિતિ-ભાવનગર મંડળની અધ્યક્ષા શ્રીમતી સંતોષીજીએ કાર્યક્રમને સફળ બનાવનાર બાળકોની પ્રશંસા કરી હતી. ભાવનગર મંડળના તમામ સ્ટેશનો, આરોગ્ય એકમો અને કોચિંગ ડેપો પર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)