ભાવનગર શહેરમાં એચ.આઇ.વી. અને એઇડ્સ અંગે જાગૃતિ લાવવા માટે રેડ રન મેરેથોન-૨૦૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભાવનગર ડિસ્ટ્રીક્ટ એઇડ્સ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ યુનિટના તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમનું માર્ગદર્શન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી કુમાર, સર ટી. હોસ્પિટલના અધિક્ષક ડો. અશોકભાઇ વાળા અને જિલ્લા ક્ષય તથા એચ.આઇ.વી. અધિકારી ડો. પી.વી. રેવર દ્વારા આપવામાં આવ્યું હતું. મેરેથોનને લીલી ઝંડી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી કુમારે આપી હતી.
“રેડ રન મેરેથોન”નું પ્રારંભ સર ટી હોસ્પિટલથી થયો હતો અને તે નિલમબાગ, ડાહ્યાભાઇ ચોક, વિજયરાજ નગર સર્કલ, વિશ્વકર્મા સર્કલ, વિઠ્ઠલવાડી પેટ્રોલ પંપ, નિર્મળનગર, જશોનાથ સર્કલ, જિલ્લા પંચાયત અને કલેકટર કચેરીથી ફરી સર ટી હોસ્પિટલ ખાતે પૂર્ણ થયો હતો. કુલ ૫ કિલોમીટરની આ મેરેથોનમાં ૫૦થી વધુ યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર યુવક અને યુવતીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી જ્યારે તમામ સ્પર્ધકોને ભાગીદારીનું પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મેરેથોન દરમિયાન સ્પર્ધકો માટે એનર્જી ડ્રિન્ક્સ અને પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ આયોજન દિશા-ડાપ્કુ ભાવનગર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર ડિસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV/AIDS, ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV/AIDS, LWS ભાવનગર તથા IECTCની ટીમ દ્વારા મહેનત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ડો. ભાવેશ વળીયા અને વિહાન સંસ્થાના પ્રોજેક્ટ મેનેજર પ્રદીપભાઈ બાંભણીયા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
📍 અહેવાલ : સતાર મેતર, ભાવનગર