મજુરાગેટ ખાતે બ્લુ બસ માંથી મહિલા નીચે ઉતરે તે પહેલાં ડ્રાઈવરે બસ ચાલુ કરી દેતા મહિલા નીચે પટકાઈ.

સુરત:

સુરત શહેરમાં BRTS બસ તેમજ સિટીબસ ડ્રાઇવરોની બેદરકારીની ઘટના સતત વધી રહી છે.જેમાં બુધવારે બપોરે મજુરા ગેટ પાસે સિટીબસ ડ્રાઈવરની બેદરકારીને કારણે એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેણીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

મહિલા નવી સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી

નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં આવેલ હીરા નગરમાં સંતોષ ગુપ્તા, પત્ની ઊર્મિલા (40 વર્ષ) તેમજ બે સંતાન સાથે રહે છે. સંતોષ લુમ્સના ખાતામાં નોકરી કરે છે. સંતોષની પત્ની ઊર્મિલાને સુગરની બીમારી છે. જેથી તે દર મહિને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર તેમજ દવા લેવા માટે આવે છે. દરમિયાન બુધવારે સવારે 11 વાગ્યાના સુમારે ઊર્મિલા હાઉસીંગ પાસેથી બ્લુબસમાં બેસીને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવી રહી હતી. તે સમયે મજૂરાગેટ પાસે તેણી બસમાંથી ઊતરી રહી હતી. ત્યારે બસ ડ્રાઈવરે બસ ચાલુ કરી દેતા ઊર્મિલા નીચે પટકાઈ હતી અને ઢસડાઈ ગઈ હતી. જેથી સ્થળ પર હાજર મેટ્રોના કર્મચારીઓ તેણીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ઊર્મિલાને સારવાર આપવામાં આવી હતી.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)