જાહેર અને નિ:શુલ્ક ખાનગી વાહન પાર્કિંગ સ્થળો જાહેર કરાયા
જૂનાગઢ તા.૧૭ ભવનાથ તળેટીમાં તા.૨૨ ફેબ્રુઆરીથી તા.૨૬ ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે. આ મેળામાં સમગ્ર રાજ્ય અને દેશમાંથી સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ જોડાય છે. ત્યારે મેળામાં પધારતા ભાવિકો માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને વાહન પાર્કિંગ સ્થળ નિયત કરવામાં આવ્યા છે,
જાહેરનામા મુજબ ૨ જાહેર પાર્કિંગ સ્થળો નિયત કરવામાં આવ્યા છે. જેમાં નીચલા દાતાર પાસેની ખુલ્લી જગ્યામાં તમામ પ્રકારના વાહનો અને ભવનાથ ખાતે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે ટુ વ્હીલર વાહનો પાર્ક કરી શકાશે,
તમામ પ્રકારના વાહનો માટે નિ:શુલ્ક ખાનગી વાહન પાર્કિંગ સ્થળોમાં શશીકાંતભાઇ દવેની વાડી (મજેવડી દરવાજાથી ભરડાવાવ રોડ, જિલ્લા જેલની વાડી પર), ડોલરભાઈ કોટેચાની વાડી (જુના દારૂખાનાની ખુલ્લી જગ્યા) મજેવડી રોડ, કાળુભાઈ સુખવાણીની વાડી તરીકે ઓળખાતી જમીન મજેવડી- ભવનાથ રોડ અને અશોકબાગ આંબાવાડી મજેવડી દરવાજાથી ભરડાવાવ તરફ જતા રસ્તે વાહનો પાર્ક કરી શકાશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.એફ. ચૌધરીએ મળેલ સત્તાની રૂએ આ વાહન પાર્કિંગ સ્થળ જાહેર કર્યા છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)