મહાશિવરાત્રીના મેળામાં જૂનાગઢ પોલીસ તંત્રની ‘ત્રીજી’ આંખ દ્વારા બાજ નજર

તા.૨૫ ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન જૂનાગઢ પોલીસ તંત્રની ‘ત્રીજી’ આંખ એટલે કે, ૭૮ સીસીટીવી અને ૩ ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર નાખવામાં આવી રહી છે.


ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં સ્વયંભૂ લાખો શ્રદ્ધાળુ ઓ ઉમટે છે, ત્યારે ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક નિયમન પોલીસ તંત્ર માટે એક મોટો પડકાર બની જતો હોય છે. આ સાથે મેળામાં પધારતા ભાવિકોની સુરક્ષા માટે શંકાસ્પદ ગતિવિધિ અટકાવવી પણ એટલી જ જરૂરી છે. આ માટે જૂનાગઢ પોલીસે ટેકનોલોજીના ઉપયોગથી સુચારૂ વ્યવસ્થાઓ ગોઠવી છે.
આ સંદર્ભે વધુ જાણકારી આપતા નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલીયા જણાવે છે કે, ભાવિકોની સુરક્ષા, વાહનનો ટ્રાફિક જામ અને અન્ય શંકાસ્પદ ગતિવિધિઓ અટકાવવા માટે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યો છે. અહીંથી રાઉન્ડ ધી ક્લોક પોલીસ જવાનો દ્વારા સીસીટીવી દ્વારા સતત સમગ્ર મેળા વિસ્તાર પર મોનિટરિંગ કરવામાં આવે છે. આ મોનિટરિંગ ટીમ દ્વારા સિનિયર પોલીસ અધિકારીઓને દર કલાકે સીસીટીવીના સ્ક્રીનશોટ વોટ્સઅપના પણ મોકલવામાં આવે છે. જેથી ટ્રાફિક કે ભીડની સ્થિતિની યોગ્ય સમીક્ષા કરવાની સાથે તેના આધારે જરૂરી પગલાં લઈ શકાય.


ઉપરાંત કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ખાતે ફરજરત ટીમને શંકાસ્પદ ગતિવિધિ કે અન્ય ધ્યાન દોરવા જેવી બાબત સામે આવે તો ત્વરિત કોમ્યુનિકેશન માટે આપવામાં આવેલા વાયરલેસ સેટ આપવામાં દ્વારા ફિલ્ડમાં કાર્યરત પોલીસની સર્વેલન્સ ટીમ કે રાવટી પર ફરજરત પોલીસને એલર્ટ કરવામાં આવે છે. જેથી જરૂરી કાર્યવાહી હાથ ધરી શકાય.
તેમણે કહ્યું કે, મહાશિવરાત્રી મેળાના મહત્વના એવા સોનાપુરી, ભરડાવાવ, જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, દામોદર કુંડ, સહિતના સ્થળો ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ઉપરાંત વધુમાં શહેરમાં પણ ૪૦૦થી વધુ કેમેરા દ્વારા લગાવવામાં આવ્યા છે. ખાસ બસ સ્ટેશન, મજેવડી ગેટ, રેલ્વે સ્ટેશન કાળવા ચોક ખાતે પણ ભારે ટ્રાફિક અને ભીડ રહેતી હોય છે, અહીંયા પણ નેત્રમ શાખા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આમ, સીસીટીવી કેમેરાના મોનિટરિંગથી ટ્રાફિક ડાયવર્ઝન સહિતના નિર્ણય સરળતાથી લઈ શકાય છે.


ભવનાથ વિસ્તારમાં ભાવિકોના ગુમ થયેલા ૩૦ જેટલા મોબાઈલ પણ સીસીટીવી કેમેરાની મદદથી શોધી આપવામાં આવ્યા છે. તેમ પણ ધાંધલીયાએ ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ પોલીસે વાહન પાર્કિંગ, પાસ સહિતની વ્યવસ્થાઓમાં ટેકનોલોજીના ઉપયોગ ઉપર ભાર આપ્યો છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ