સૌરાષ્ટ્રની લોકકવિતાના પ્રખર સર્જક કવિ દાદ બાપુની રચનાઓ આજે પણ લોકપ્રિય
જૂનાગઢ, ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૫: મહાશિવરાત્રી મેળાનું પવિત્ર માહોલ ભવનાથ તીર્થક્ષેત્રમાં શોભાયમાન બન્યું છે. ગિરનારની તપોભૂમિમાં, મહાશિવરાત્રીના પાવન મેળામાં, સંત-મહંતો, દિગંબર સંન્યાસીઓ અને ભાવિક ભક્તો શિવમય બન્યા છે. સમગ્ર ગિરનાર તળેટી “કૈલાશ કે નિવાસી, નમું બાર બાર હું…” જેવી દિવ્ય સ્તુતિઓના ગાનથી ગૂંજી ઉઠી છે.
કવિ દાદ બાપુ: ગુજરાતી લોકસાહિત્યના અમર સર્જક
પદ્મશ્રી કવિ દાદ બાપુ એટલે કે સ્વ. દાદુદાન પ્રતાપદાન ગઢવી, ગુજરાતી લોકસાહિત્યના એક તેજસ્વી તારલાં હતાં. તેમણે ગુજરાતના લોકસમાજ માટે અમૂલ્ય સાહિત્ય સર્જન કર્યુ છે. શિવભક્તિથી સરોબર તેમની કાવ્યરચનાઓ આજે પણ સૌરાષ્ટ્રના ડાયરાઓમાં, ભજન મંડળીઓમાં અને શિવમંડિરોમાં ગુંજતી રહે છે.
કૈલાશ કે નિવાસી: ગિરનારમાં સર્જાયેલી અમર રચના
સ્વ. દાદ બાપુના પુત્ર અને લોકગાયક જીતુભાઈ દાદે પોતાના પિતાના અમૂલ્ય સાહિત્યકirpાનાં સંસ્મરણો વહેંચતા જણાવ્યું હતું કે, “૯૦ના દાયકામાં મારા પિતા ભવનાથ તીર્થક્ષેત્ર ખાતે મહાશિવરાત્રી મેળાના સંદર્ભે પધાર્યા હતા. મેળાનું ભક્તિમય વાતાવરણ જોઈ તેમની ભક્તિ વધુ પ્રગટ થઈ. ગિરનારની ગોદમાં બેઠા બેઠા તેમને આકસ્મિક પ્રેરણા મળી અને ત્યાં જ તેમણે ‘કૈલાશ કે નિવાસી’ સ્તુતિની રચના કરી. સુપ્રસિદ્ધ ભજનિક નારાયણ સ્વામીએ તત્કાળ આ સ્તુતિને કંઠ આપીને લોકપ્રિય બનાવી.”
આજે પણ આ સ્તુતિ ગિરનાર તળેટીમાં શિવભક્તોની શ્રદ્ધા અને ભક્તિનો એક અભિન્ન ભાગ બની ગઈ છે. ભક્તો ભાવવિભોર થઈને આ સ્તુતિ ગાય છે અને ભવનાથ મહાદેવના ચરણોમાં નિર્વાણની અનુભૂતિ કરે છે.
ગુજરાતી લોકસાહિત્ય અને કવિ દાદ બાપુનો યોગદાન
સ્વ. કવિ દાદ બાપુએ પોતાની કાવ્યયાત્રા દ્વારા અનેક અમર કૃતિઓ ભેટ આપી છે. લોકકાવ્ય, ભજન અને ગઝલ જેવા અનેક સાહિત્યપ્રકારમાં તેમની કૃતિઓ લોકહૃદયમાં અંકિત થઈ ગઈ છે. ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો…’ અને ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…’ જેવી અનન્ય રચનાઓ આજે પણ સમૂહગાન અને વિદાયગીત તરીકે પ્રખ્યાત છે.
તેમને ગુજરાતી ફિલ્મો માટે પણ ગીતો લખ્યા હતાં અને તેમની લોકપ્રિયતા એટલી ઊંચી હતી કે, નારાયણ સ્વામીએ ગાવા માટે તેમને ખાસ આમંત્રિત કરતાં. આજકાલ કોલેજ અને યુનિવર્સિટીઓમાં પણ તેમની સાહિત્યકૃતિઓ પર પીએચ.ડી. થતી જોવા મળે છે, જે સાબિત કરે છે કે તેમની રચનાઓ કદી ભૂંસાઈ નહીં.
વહીવટી તંત્ર દ્વારા મેળાનું ઉત્તમ સંચાલન
દર વર્ષની જેમ, ભવનાથ તીર્થમાં મહાશિવરાત્રી મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને સંચાલકો દ્વારા મેળાના સંચાલન માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પ્લાસ્ટિક પ્રતિબંધ, પર્યાવરણલક્ષી વ્યવસ્થાઓ અને સ્વચ્છતાની વિશેષ જાળવણી સાથે મેળાને સુરક્ષિત અને શુદ્ધ બનાવવામાં આવ્યો છે.
સર્વધર્મ સમભાવ અને સમરસતાની ભાવનાને ઉજાગર કરતી આ પવિત્ર મેળાની આકાશમાં ભજન-કીર્તનના સૂર ભકતિપ્રેમીઓના હૃદયને શિવમય બનાવી રહ્યાં છે. હર હર મહાદેવ!
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જુનાગઢ