મહાશિવરાત્રી 2025: સોમનાથમાં પ્રાર્થના, પૂજા, પુણ્ય અને પ્રસાદનું અભૂતપૂર્વ આયોજન!

મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરીએ સવારે 04:00 વાગ્યાથી સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર. સવારે 08:00 કલાકે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તોને પાર્થિવ શિવલિંગ મહાપૂજા કરાવવામાં આવશે. મોટી સંખ્યામાં આવતા ભક્તોને દર્શન તેમજ ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટે વહેલી સવારથી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સંકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરાશે, અને સોમેશ્વર મહાપૂજાના બમણાં સ્લોટ્સથી ભક્તોને પૂજાનો લાભ મળશે. સમુદ્ર દર્શન વોક-વે પર 24 થી 26 ફેબ્રુઆરી સુધી આયોજિત “સોમનાથ મહોત્સવ” ની સાંસ્કૃતિક કલાકૃતિઓ અનોખું આકર્ષણ બનાવશે.

મહાશિવરાત્રી પર ભક્તો માત્ર ₹25 માં સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા કરી શકશે, અને પોસ્ટ મારફત ભસ્મ, રુદ્રાક્ષ અને નમન મોકલાશે. સોમનાથ મહાદેવના અર્પણ કરાયેલ બિલ્વપત્ર નમન પ્રસાદ માટે વિશેષ કાઉન્ટર ગોઠવાશે. ભક્તોની સુવિધા માટે વિવિધ રંગોના પટ્ટા યાત્રીઓને માર્ગદર્શન આપશે.

દિવ્યાંગ અને વૃદ્ધોને સ્વાગત કક્ષ ખાતે સતત ગોલ્ફ કાર્ટ અને વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાશે. મહાશિવરાત્રી પર્વે શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રેષ્ઠ યાત્રા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સવારે 4:00 વાગ્યે મંદિર ભક્તો માટે ખુલશે, અને સમગ્ર પર્વ દરમિયાન વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યાત્રિકો માટે 42 કલાકનો ધર્મોત્સવ ઉજવાશે, જેમાં ધ્વજા પૂજા, રુદ્રાભિષેક, પાર્થિવ શિવલિંગ પૂજન, અને શિવરાત્રીના ચાર પ્રહરોની વિશેષ પૂજાઓ યોજાશે. સોમનાથ મહોત્સવમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોની રજૂઆતો ભક્તોને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભૂતિ કરાવશે.

મહાશિવરાત્રીના પર્વે ભોજન અને ભંડારા, યાત્રિકોની સુવિધા માટે રાઉન્ડ ધી ક્લોક સફાઈ ટીમો, અને મહાપ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સોમનાથ યાત્રાને સુંદર અને સુગમ બનાવવા માટે વિવિધ વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ