જૂનાગઢ
રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહત્વના પરિબળ એવા સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૦૧ ઓગસ્ટ થી તા.૦૮ ઓગસ્ટ-૨૦૨૪ દરમિયાન “નારી વંદન સપ્તાહ” ની ઉજવણી કરવામાં આવે છે.
તા.૦૧ ઓગસ્ટ થી તા.૦૮ ઓગસ્ટ-૨૦૨૪ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં પણ મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો બેટી પઢાવો દિવસ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ અને મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે.
ઉજવણી દરમિયાન મહિલા સુરક્ષા સંબંધી વિવિધ કાયદાઓ અને મહિલાલક્ષી યોજનાઓની વિગતો મહિલાઓ સુધી પહોંચાડવામાં આવશે. કિશોરીઓ તથા સગર્ભા મહિલાઓને હિમોગ્લોબીન તપાસ, આરોગ્યલક્ષી વિગતો અને માર્ગદર્શન આપવામાં આવશે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેની સરકારના વિવિધ વિભાગોની યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવશે, આથી જિલ્લાની મહિલાઓને આ કાર્યક્રમમાં જોડાવા માટે જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)