મહિલા સુરક્ષા દિન નિમિત્તે ખોરાસા ગીરમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન – નારી સશક્તિની દિશામાં એક અનોખું પગલું.

જૂનાગઢ, તા. 01 ઓગસ્ટ – “નારી વંદન સપ્તાહ” અંતર્ગત જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આજે માળીયા હાટીના તાલુકાના ખોરાસા કન્યા શાળામાં મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓ માટે સુરક્ષિત, સ્વસ્થ અને સશક્ત જીવન માટે સંકલ્પ લેવાતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોનો ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો.

ઉજવણીના હિસ્સા રૂપે ખોરાસા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય સ્ટાફ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો. સાથે જ “બેટી બચાવો, બેટી પઢાવો”ના નારા સાથે ગામમાં જાગૃતિ રેલી પણ કાઢવામાં આવી હતી, જેમાં નારી સશક્તિ અને મહિલા સુરક્ષા અંગે વિદ્યાર્થીઓએ પંથિયે પંથિયે શીખ આપતી સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ કાર્યક્રમનો બીજો મહત્ત્વનો ભાગ ખોડીયાર મંદિર ખાતે યોજાયો, જ્યાં ઘરેલુ હિંસા અધિનિયમ-2005 અંગે વિસ્તૃત માહિતી આપતી જનજાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી સી.જી. સોજીત્રા તથા દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી શ્રી બી.ડી. ભાડ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સી.જી. સોજીત્રાએ મહિલાઓ માટેની પોષણ યાત્રા, આર્થિક સશક્તિકરણ તથા સરકારી યોજનાઓ જેવી કે ‘માતૃવંદના’, ‘સુકન્યા સમૃદ્ધિ’, ‘સ્વનિર્ભર નારી’ વગેરે અંગે વિસ્તૃત માહિતી આપી. જ્યારે શ્રી બી.ડી. ભાડે કાયદાકીય દ્રષ્ટિએ ઘરેલુ હિંસા અધિનિયમની જટિલતાઓ સરળ ભાષામાં સમજાવી, તેમજ મહિલાઓ કઈ રીતે પોતાનું રક્ષણ કાયદાની મદદથી કરી શકે તેના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો.

આજના કાર્યક્રમમાં અન્ય મહત્ત્વની ઉપસ્થિતિમાં મિશન મંગલમના રાજાભાઈ ગળચર, DHEW મિશન કો-ઓર્ડિનેટર કૃપાબેન ખૂટ, જેન્ડર સ્પેશિયાલિસ્ટ મીનાક્ષીબેન, OSC કેન્દ્ર સંચાલક અંકિતાબેન ભાખર, 181 મહિલા હેલ્પલાઇન ટીમ, તેમજ બેંક સખી કંચનબેન વગેરેનો સમાવેશ થાય છે.

આ રીતે “નારી વંદન સપ્તાહ” અંતર્ગત માત્ર ઉજવણી નહીં પણ મહિલાઓને જાણકારી, આરોગ્ય અને સશક્તિકરણ તરફ આગળ ધપાવતું સંકલ્પ જોવા મળ્યો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ