જૂનાગઢ, તા.૧: મહિલા શક્તિના સશક્તિકરણ અને રોજગારીના સુવર્ણ અવસરો માટે જિલ્લામાં એક ઉત્તમ પહેલ કરવામાં આવી છે. “નારી વંદન સપ્તાહ”ના પ્રાસંગિક અનુસંધાનમાં “મહિલા સ્વાવલંબન દિવસ” નિમિતે જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીના સંયુક્ત ઉપક્રમે ખાસ કરીને મહિલા ઉમેદવારો માટે એક વિશિષ્ટ ભરતી મેળાનું આયોજન તારીખ ૪ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ કરવામાં આવી રહ્યું છે.
આ મેળો સરદાર પટેલ સભાખંડ, કૃષિ યુનિવર્સિટી કેમ્પસ, જૂનાગઢ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે યોજાશે, જેમાં ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતી તેમજ મિનિમમ એસએસસીથી લઇ સ્નાતક સુધીની લાયકાત ધરાવતી ફક્ત મહિલા ઉમેદવારોને આમંત્રિત કરવામાં આવી છે.
આ ભરતી મેળામાં બોનાન્ઝા સલૂન એલએલપી – રાજકોટ, રીલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લી. જૂનાગઢ બ્રાંચ, અને ભારતીય જીવન વિમા નિગમ (LIC) – જૂનાગઢ બ્રાંચ જેવા ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય નાયબીઓ વિવિધ ખાલી જગ્યાઓ માટે સ્પોટ ઇન્ટરવ્યૂ લેશે. આ જગ્યાઓમાં બ્યુટીશિયન, હેર ડ્રેસર, એડવાઈઝર, મેનેજર, વિમા સખી, સ્ટોક મેનેજર, કાઉન્સેલર, કેશિયર, વોર્ડન અને હાઉસ કીપિંગ સ્ટાફ જેવી પોસ્ટનો સમાવેશ થાય છે.
ભરતી મેળામાં હાજરી આપવા માટે ઉમેદવારોએ તેમના શૈક્ષણિક પ્રમાણપત્રો તથા ઓળખપત્રો સાથે સ્થાનિક સ્તરે હાજર રહેવું પડશે. ઉપરાંત, તેઓ અનુબંધમ પોર્ટલ (https://anubandham.gujarat.gov.in) મારફતે ઓનલાઈન પણ રજીસ્ટ્રેશન કરી શકે છે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ – ફોન નં. ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પર સંપર્ક સાધી શકાય છે.
આ પ્રકારની યોજનાઓ મહિલાઓમાં આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા વધારવા માટે મહત્વપૂર્ણ કડી પુરવાર થાય છે, જે તેમના સર્વાંગી વિકાસ માટે એક મજબૂત પાયાનું કામ કરે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ