જુલાઈના પ્રથમ સપ્તાહમાં મનાવાનાં મોહરમ તહેવારને ધ્યાનમાં રાખી જુનાગઢ જિલ્લાના પ્રશાસન દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. દર વર્ષે મોહરમ તહેવાર નિમિત્તે રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાંથી તાજીયા લઈને જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના બારામાં તાજીયા ટાઢા કરવા જવાનું થાય છે, જેના કારણે વસ્તીભરેલા માર્ગો ઉપર ભીડ અને કેટલીકવાર અણછાજતી પરિસ્થિતિઓ સર્જાતા હોવાના કારણે જાહેર સુલેહ અને શાંતિ જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કે.બી. પટેલે એક કડક જાહેરનામું બહાર પાડ્યું છે.
જાહેરનામા મુજબ જેતપુરથી જતા કોઈ પણ તાજીયા જુનાગઢ જિલ્લાના સીમામાં પ્રવેશી શકશે નહીં.
ચોકી સોરઠથી શરૂ થતી જુનાગઢ જિલ્લાના હદમાં હાઈવે માર્ગે પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.
તે જ રીતે, ધોરાજી તરફથી ઝાલણસર હદમાં પણ તાજીયા લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે.
માંગરોળ બારામાં પણ અન્ય કોઇ માર્ગથી તાજીયા લાવવો પ્રતિબંધિત રહેશે.
આ જાહેરનામું તાત્કાલિક અસરથી અમલમાં આવ્યું છે અને તા. ૭ જુલાઈ, ૨૦૨૪ સુધી અમલમાં રહેશે. તહેવાર દરમ્યાન કાયદો અને વ્યવસ્થામાં અડચણ ન આવે, જાહેર શાંતિભંગ ન થાય અને કોઈ અહિતકારી ઘટનાની શક્યતા નિવારાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જાહેરનામાનું કોઈપણ વ્યકતિ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવશે તો તે વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૨૩ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, જેમાં કેદ અને દંડ જેવી જોગવાઈઓનો સમાવેશ થાય છે.
પ્રશાસન દ્વારા તાત્કાલિક આદેશના પાલન માટે પોલીસ તંત્ર, લોકલ એડમિનિસ્ટ્રેશન અને સામાજિક આગેવાનોને પણ સંદર્ભિત વિસ્તારોમાં સુચિત કરવામાં આવ્યા છે જેથી જાહેર સુલેહ જળવાઈ રહે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ