માંગરોળમાં તિરંગાયાત્રા સાથે દેશભક્તિની ઉજવણી, ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા નિમિત્તે વિશાળ રેલી યોજાઈ

માંગરોળ (જૂનાગઢ)
પાકિસ્તાન સામેના યુદ્ધ દરમિયાન ભારતીય સેના દ્વારા થયેલી “ઓપરેશન સિંદૂર”ની સફળતાને ઉજવવા માટે માંગરોળ શહેરમાં દેશભક્તિથી ભરેલી વિશાળ તિરંગાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ યાત્રામાં ખાસ ઉપસ્થિતિ માટે જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, તથા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા પધાર્યા હતા.

તિરંગાયાત્રાનો પ્રારંભ ગોપાલ કૃષ્ણ ગૌશાળાથી થયો હતો અને ત્યારબાદ યાત્રા જુનાબસ્ટેશન, લીમડાચોક અને શહેરના મુખ્ય માર્ગો પર દૈનંદિન રીતે ફેરી પસાર થઈ હતી.

આ કાર્યક્રમમાં નગરપાલીકા પ્રમુખ શ્રીમતી કૃષ્ણાબેન, ભાજપ અગ્રણી વેલજીભાઈ મસાણી, શહેર ભાજપ પ્રમુખ લિનેશ સૌમૈયા, તાલુકા ભાજપ પ્રમુખ અરજનભાઈ આત્રોલિયા, તેમજ માલદે ભાદરકા સહિત ભાજપના વિવિધ હોદેદારો, કાર્યકરો અને બહોળી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ડી.જે.ના રણકાર અને “ભારત માતા કી જય“, “વંદે માતરમ” જેવા નારાઓએ સમગ્ર યાત્રામાં દેશભક્તિના ભાવો ઉમેર્યા હતા. માંગરોળનું આ સમગ્ર શહેર તિરંગાના રંગે રંગાઈ ગયું હતું અને કાર્યક્રમ દેશપ્રેમના ભાવોથી ઓતપ્રોત રહ્યો.

અહેવાલ: પ્રકાશ લાલવાણી, માંગરોળ-જૂનાગઢ