માંગરોળમાં ભર ઉનાળે વરસાદી માહોલ: ખેડૂતો અને માછીમારો ચિંતિત

📍 સ્થળ: માંગરોળ, જી. જૂનાગઢ
🗓️ તારીખ: ૭ મે, ૨૦૨૫
🖊️ અહેવાલ: પ્રકાશ લાલવાણી

માંગરોળમાં આજે ફરી એકવાર કમોસમી વરસાદે દસ્તક દીધી છે. ભર ઉનાળે અચાનક વાતાવરણમાં થયેલા પલટાથી સમગ્ર પંથકમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારું છવાઈ ગયું અને બાદમાં ધમાકેદાર વરસાદ શરૂ થયો.

સતત બીજા દિવસે વરસાદે ઝાપટું માર્યું
સોમવાર બાદ મંગળવારે પણ સતત બીજા દિવસે વરસાદ પડતા માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યા. હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકો ઉકળાટથી થોડી રાહત અનુભવી રહ્યા છે.

કમોસમી પવન અને વરસાદથી ચિંતા વધી
આ ચોમાસા જેવા અણધારી પવન અને વરસાદના કારણે પંથકના ખેડુતો અને માછીમારોમાં ચિંતાનો માહોલ છે. ખેતરોમાં ઉભા પાક તલ, મગફળી અને બાજરી સહિતનાં પાકને નુકશાની થવાની આશંકા છે. સાથે જ દરિયા નજીકના વિસ્તારોમાં માછીમાર સમુદાય પણ આબહુવાની અસમાનતા કારણે દરિયામાં પ્રવેશ ન કરી શકી રહ્યા છે.

ઉનાળા વચ્ચે અસામાન્ય વરસાદ
વરસાદી માહોલ હોવા છતાં આ સમય ગાળો ઉનાળાનો હોવાને કારણે મોટાભાગના લોકોને આશ્ચર્ય થયું છે. સ્થાનિકો કહે છે કે વર્ષોના અંતરે આવી પરિસ્થિતિ ઉભી થઈ છે જેમાં ઉનાળે સતત બે દિવસ ધોધમાર વરસાદ જોવા મળ્યો હોય.