
જૂનાગઢ, ૯ મે |
અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે આજે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં દરિયાઈ સુરક્ષા સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. બેઠકમાં દરિયાઈ સુરક્ષા, તટક્ષેત્રની સ્થિતિ અને સંભવિત આપત્તિ વ્યવસ્થાપન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
સાવચેતી અને જનજાગૃતિ પર ભાર
કલેક્ટર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, બ્લેકઆઉટ, એર રેડ સાયરણ અને સરકારની માર્ગદર્શિકા અંગે તમામ અધિકારીઓ અને તટવાસી ગામોના પ્રતિનિધિઓને અવગત કરવું જરૂરી છે. તેમણે ખાસ કરીને શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવામાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અને નાગરિક સહકાર મેળવવા અનુરોધ કર્યો.
તટવાસી ગામોના સરપંચો સજાગ
માંગરોળના ૧૧ તથા માળીયા હાટીનાના ૯ ગામોના સરપંચો તથા ખારવા અને માછીમાર સમાજના આગેવાનોને તટસુરક્ષા બાબતે સચેત કરવામાં આવ્યા હતા. દરિયાઈ હદવાળી વિસતારમાં કોઈપણ દુર્ઘટના કે આતંકી પ્રવૃત્તિ અટકાવવાનો મુખ્ય ઉદ્દેશ બેઠક પાછળ હતો.
અધિકારીઓની વિશાળ હાજરી
બેઠકમાં પ્રાંત અધિકારી, સ્થાનિક પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ, PGVCL, માછીમારી વિભાગ, પોર્ટ અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો તેમજ તલાટીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક દ્વારા દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા સંબંધી કામગીરીને વધુ અસરકારક બનાવવા જિલ્લા તંત્રે ઢાંસુ આયોજન કર્યું છે.
શું તમારું ગામ દરિયાઈ વિસ્તારમાં આવે છે?