માધવપુર–અમદાવાદ રૂટની એસટી બસ સેવાનો પ્રારંભ: ઘેડ વિસ્તારના ૨૫થી વધુ ગામોને મળશે સીધી પરિવહન સુવિધા.

પોરબંદર જિલ્લામાં પરિવહન સુવિધાઓના વિસ્તરણ તરફ એક વધુ પગલું ભરાયું છે. માંગરોળ–માળીયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાની આગ્રહભરી રજૂઆતને આધારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા માધવપુરથી અમદાવાદ રૂટની નવી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.

માધવપુર એસટી સ્ટેન્ડ ખાતે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, મર્ચન્ટ એસોસિએશન પ્રમુખ જીત મજેઠીયા તથા વેપારી અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ બસ સેવાનો પ્રારંભ કરાયો હતો. સાંજે 8:20 કલાકે પ્રસ્થાન કરતી આ બસ સેવા માધવપુરથી માંગરોળ, કેશોદ, જુનાગઢ, રાજકોટ અને લીંબડી માર્ગે અમદાવાદ સુધી પહોંચશે.

આ નવી સેવા દ્વારા ઘેડ વિસ્તારના 25થી વધુ ગામડાઓને સીધી પરિવહન સુવિધા મળશે. વેપાર, રોજગાર, શિક્ષણ અને આરોગ્યના હેતુસર અમદાવાદ જવા માગતા નાગરિકો માટે આ બસ સેવા અત્યંત ઉપયોગી સાબિત થશે.

રાજ્ય સરકારના નેતૃત્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ તથા વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના પ્રયત્નોથી છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે મુખ્ય શહેરો સાથે ઝડપી કનેક્ટિવિટી મળી રહી છે.

આ પ્રયાસથી ગ્રામીણ નાગરિકોની મુસાફરી વધુ સુલભ બનવાની સાથે સાથે જિલ્લામાં વિકાસના નવા માર્ગો ખુલી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ