માનાવદરમાં શાકમાર્કેટ પાસે રખડતાં ઢોરોનો આતંક, સાંડોની લડાઈથી ભયજનક માહોલ, લોકોમાં દહેશતનો માહોલ!

માનાવદર: શહેરમાં રખડતાં ઢોર અને ખાસ કરીને સાંડોના આતંકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. શાકમાર્કેટ પાસે સોમવારે સવારે અચાનક બે સાંડ વચ્ચે ઉગ્ર લડાઈ શરૂ થતા નાગરિકો અને શાકભાજી વેપારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ ભાગમભાગ કરી પોતાનો જીવ બચાવ્યો હતો.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાય દિવસોથી આ વિસ્તારમાં ખૂલ્લા રખડતાં ઢોરો અને સાંડો રહેતા હોવાથી અવારનવાર આવો ભયજનક દ્રશ્ય સર્જાતું રહે છે. ઘણી વખત બાળકો અને વડીલો આ ઢોરના અથડામણમાં ઈજાગ્રસ્ત પણ થયા છે. શાકમાર્કેટ જેવો ગીચ વિસ્તાર હોય ત્યાં આવી ઘટના સંભવિત મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે.

આજની ઘટનામાં શાકમાર્કેટમાં શાકભાજી લેવા આવેલ મહિલાઓ અને વયસ્કો ડરીને દુકાનોમાં છુપાઈ ગયા હતા. વેપારીઓએ પણ પોતાનું માલ બચાવતી દુકાનો બંધ કરી દીધી હતી. કેટલાક ધાબા પરથી ઘટનાનો વીડિયો બનાવતા પણ જોવા મળ્યા હતા.

સ્થાનિક નગરપાલિકા અને તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. નાગરિકોનું કહેવું છે કે આ સમસ્યાના ઉકેલ માટે સમયસર પગલા ભરવામાં આવતાં નથી. માત્ર ફરિયાદ કર્યા પછી તાત્કાલિક પગલાં લેવાઈ પણ પછી ફરી સ્થિતિ યથાવત થઇ જાય છે.

ભવિષ્યમાં મોટી દુર્ઘટનાને અટકાવવી હોય તો રખડતાં ઢોર પકડવાનું કડક અભિયાન ચલાવવું જરુરી છે. શહેરના સજાગ નાગરિકોએ નગરપાલિકાને આ મામલે કડક પગલાં લેવાની માંગ કરી છે.

રિપોર્ટર : ભીમભાઈ ગરેજા, માનાવદર