યુનાઇટેડ કિંગડમના માન્ચેસ્ટર શહેરમાં આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન (ICA) ની સામાન્ય સભાનું આયોજન ICAના અધ્યક્ષ એરીયલ ગુઆરકોની અધ્યક્ષતામાં ભવ્ય રીતે યોજાઈ.
આ મહત્ત્વપૂર્ણ ગ્લોબલ ઇવેન્ટમાં ભારત તરફથી ઈફકોના ચેરમેન અને ICAએશિયા પેસિફિકના ડિરેક્ટર શ્રી દિલીપભાઈ સંઘાણી વિશેષ ઉપસ્થિતિ નોંધાવી. તેમણે ICA અધ્યક્ષ સાથે સહકારી વિકાસને લગતા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી અને ભારતની સહકારી શક્તિ કેવી રીતે સમગ્ર દેશમાં વિકાસની હરણફાળ ભરી રહી છે તેની વિશદ માહિતી આપી.
દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, “સહકાર, શક્તિ અને વ્યવસ્થાનો સમન્વય માત્ર રાષ્ટ્રીય નહીં, હવે વૈશ્વિક સ્તરે દેશો વચ્ચે સહયોગ ઊભો કરી શકે છે.” ICAના આ મહાસમારોહમાં સંઘાણીએ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા નવેમ્બર ૨૦૨૪માં જાહેર કરાયેલા ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ – IYC 2025’ અંગે સૌને માહિતગાર કર્યા હતા.
તેમણે ભારતીય સહકારી ઢાંચાના ફાયદાઓ, ખાસ કરીને ઈફકોની કામગીરી, ખેતી અને ધાન ઉત્પાદન ક્ષેત્રે તેની ઉપલબ્ધિઓ સહિત ગ્રામિણ વિકાસમાં સહકારના યોગદાન પર વિસ્તૃત માહિતી આપી.
આ બેઠકમાં ICA એશિયા પેસિફિકના ચેરમેન ડૉ. ચંદ્રપાલસિંહ યાદવ, ડૉ. યુ.એસ. અવસ્થિ, ગુજરાત મહિલા ક્રેડિટ કોઓપ. સોસાયટીની ચેરમેન શ્રીમતી ગીતાબેન સંઘાણી, મનીષ સંઘાણી, અને ઈફકો ડિરેક્ટર ભાવેશભાઈ રાદડિયા સહિત સહકારી ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
આનંદની વાત છે કે ICAની આ બેઠકમાં દિલીપ સંઘાણીની હાજરીને ખાસ મહત્વ અપાયું હતું અને તેમણે ભારતના સહકારી આંદોલનને વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી રીતે રજુ કર્યું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ