માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે “સ્વચ્છોત્સવ” કાર્યક્રમ યોજાયો.

મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા – 2025” અંતર્ગત “સ્વચ્છોત્સવ” ઉજવાઈ રહ્યો છે. તેના ભાગરૂપે મહાનગરપાલિકા, જૂનાગઢ દ્વારા શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

આ જ અનુસંધાનમાં તા. 17/09/2025ના રોજ સાંજે 6 વાગ્યે બહાઉદ્દીન કોલેજ ખાતે સાંસ્કૃતિક ઉત્સવ યોજાયો હતો. કાર્યક્રમમાં માન. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, માન. કમિશનર તેજસ પરમાર, પદાધિકારીઓ, મહિલા આગેવાનો, નગરજનો તથા સ્વયંસહાય જૂથની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. માન. કમિશનર તેજસ પરમારએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે,

  • આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિન નિમિતે સ્વચ્છતા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે.

  • સફાઈ માત્ર કર્મચારીઓની જ નહિ, પરંતુ તમામ શહેરીજનોની જવાબદારી છે.

  • સૂકા અને ભીનો કચરો અલગ કરીને જ ડોર-ટુ-ડોર કલેક્શન વાહનને આપવો જોઈએ.

ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા એ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે,

  • ગાંધીજીની સ્વચ્છતા પ્રત્યેની વિચારધારાને આજે પ્રધાનમંત્રી આગળ ધપાવી રહ્યા છે.

  • નરેન્દ્રભાઈ મોદી આપણા દેશનું ગૌરવ છે, અને આપણે સૌએ તેમની પ્રેરણાથી સ્વચ્છતાને જીવનમાં ઉતારવી જોઈએ.

શ્રીમતિ પલ્લવીબેન ઠાકર એ પોતાના પ્રવચનમાં જણાવ્યુ કે,

  • રાષ્ટ્રીય પિતા ગાંધીજીએ સ્વચ્છતાને મહત્વ આપ્યું હતું, અને પ્રધાનમંત્રીએ પણ તેને રાષ્ટ્રવ્યાપી અભિયાન બનાવ્યું છે.

  • આજ રોજ પ્રધાનમંત્રીએ “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન” શરૂ કર્યું છે.

સન્માન સમારોહ:
આ તકે સમાજસેવા રૂપે સતત રક્તદાન કરનાર મિન્ટુબેન અરજણભાઈ રાવલીયા (27 વખત), જીજ્ઞાબેન ચંદુભાઈ કાચા (22 વખત) અને દર્શિકાબેન હર્ષદભાઈ વરિયા (21 વખત)નું વિશેષ સન્માન કરવામાં આવ્યું.

સાંસ્કૃતિક કાર્યક્રમો:
શહેરની મીનરાજ શાળા તથા કનેરિયા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી. સાથે જ “સ્વચ્છતા જાગૃતિ” માટે નાટક પણ રજૂ થયું.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવો અને શહેરીજનો દ્વારા સ્વચ્છતા શપથ લેવાયો તેમજ સિગ્નેચર કેમ્પેઇન બોર્ડ પર હસ્તાક્ષર કરી પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી.

અંતમાં સ્વયં સહાય જૂથની બહેનો દ્વારા ગરબા ડ્રેસ, હસ્તકલા ચીજવસ્તુઓ અને ચણિયા-ચોળીનું પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવ્યું, જેમાં મહાનુભવોએ રસપૂર્વક મુલાકાત લીધી.


📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ