જૂનાગઢ તા.૧૯, આજના ઝડપી અને આધુનિક યુગમાં ભૌતિક સુખ સમૃધ્ધીઓ જયારે વધતા જાય છે, ત્યારે ખેડૂતની આર્થિક સ્થિતિ દિન પ્રતિ દિન સંઘર્ષ સભર બનતી જાય છે. જે માટે મોંઘાદાટ બિયારણો અને દવાઓ, અપૂરતો અને અનિયમિત વરસાદ, પિયત પાણીની ખેંચ તથા પિયત માટે થતો વધુ પડતો ખર્ચ, જમીનની ઘટતી જતી ઉત્પાદકતા, ખેત મજૂરોની તંગી અને વધતા જતા મજૂરીના દર મુખ્યત્વે કારણભૂત છે. સૌરાષ્ટ્ર ગુજરાતની ખેતીમાં મહત્વનો હિસ્સો ધરાવતો વિસ્તાર છે. ખેતીમાંથી વધુ ઉત્પાદન મેળવવા રૂઢીગત ખેતીને બદલે વૈજ્ઞાનિક અભિગમથી ખેતી કરવી અનિવાર્ય છે. ખેતીમાં વપરાતા રાસાયણીક ખાતરો દિવસે – દિવસે મોંઘા થવાથી ખેડૂતોને આર્થિક રીતે પરવડતા નથી. રાસાયણિક ખાતરોના અયોગ્ય ઉપયોગથી જમીનને માઠી અસર થઈ છે.આવા સંજોગોમાં રાસાયણિક ખાતરોના કાર્યક્ષમ ઉપયોગની સાથે સાથે સેન્દ્રિય અને જૈવિક ખાતરોના ઉપયોગ કરવો ખુબજ આવશ્યક છે. જમીનની ફળદ્રુપતા તથા ઉત્પાદકતા જાળવવા બધા જ જરૂરી પોષકતત્વો જમીનમાં પ્રમાણસર ઉપલબ્ધ હોવા જરૂરી છે. આજે પ્રકૃતિનું શોષણ એટલા સ્તરે પહોચ્યુ છે કે માનવતા અસ્તિત્વ ઉપર જોખમ ઉભુ થયુ છે. જમીન, પાણી, હવા વગેરે દરેક પ્રકારના કુદરતી સર્જનમાં પ્રદુષણ ફેલાયેલ છે. ભારતીય કૃષિ, ખાસ કરીને જયા જરૂરીયાત કરતા વધુ રાસાયણિક આતરો અને દવાઓનો ઉપયોગ થાય છે, ત્યા જમીનનું સ્વાસ્થય એટલુ ખરાબ થઈ ગયુ છે કે તેમાં ઉત્પાદન થતાં વનસ્પતિ અને અનાજ ખુબ ઝેરી થઈ થયા છે. તેથી આ ક્ષેત્રમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવુ દેશ અને ખેડુતોના હિત માટે વધુ મહત્વપૂર્ણ છે.
કૃષિક્ષેત્રે રસાયણયુક્ત કૃષિપાક ઉત્પાદન આજના સમયમાં વધારે પડતા જોવા મળે છે જેના ભાગરૂપે આપણા રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતી અન્વયે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે કે લોકો રસાયણમુક્ત તેમજ શુદ્ધ અને સાત્વિક ખેત ઉત્પાદનનો ઉપયોગ કરે અને રસાયણનો નહિવત ઉપયોગ કરી ખેત ઉત્પાદન મેળવે. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે ત્યારે માળિયા તાલુકાના ગળોદર ગામના રહેવાસી પરિવારની વાત કરીએ તો આજના સમયમાં લોકો શહેરીકરણ તરફ પ્રયાણ કરતા જોવા મળે છે પરંતુ ગળોદર ગામના આ પરિવારમાં દરેક સભ્ય હાલ અભ્યાસ પૂર્ણ કરી કૃષિ ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહ્યા છે.
ભીખુભાઈ તેમજ તેમના ભાઈઓએ જુદા જુદા ક્ષેત્રમાં સ્નાતક સુધી અભ્યાસ કરેલ છે છતાં આજે તેમના દરેક ભાઈઓ તેમજ પરિવારના સભ્યો આજે પ્રાકૃતિક ખેતીને ઉદ્યોગ સમજી પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન મેળવી રહ્યા છે. ભીખુભાઈ શરૂઆતના સમયમાં ૨૦૧૨ દરમિયાન ૧૨ વીઘા જેટલી જમીનથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી અને આજે તે ૮૦ વીઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી દ્વારા જુદા જુદા ઉત્પાદનો મેળવે છે અને વર્ષ દરમિયાન અંદાજીત ૩૦ લાખ સુધીની આવક મેળવે છે જેના માટે તેમણે જુદી જુદી સંસ્થાઓમાં અને આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ લીધી હતી.
પ્રાકૃતિક ખેતી અંગે ભીખુભાઈ જણાવે છે કે શરૂઆતમાં જ્યારે તેમણે પ્રાકૃતિક ખેતી ની શરૂઆત કરી હતી ત્યારે તેમણે માત્ર ૧૨ વીઘા જેટલી જમીનમાં મગફળીનુ ઉત્પાદન મેળવ્યું હતું જેમાં સમય સાથે તેમને સારો એવો નફો જોવા મળ્યો હતો અને આજે તે ૮૦ વીઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી દ્વારા જુદા જુદા ઉત્પાદનો મેળવે છે. જેમાં શિયાળા દરમિયાન ઘઉં, ચણા, ધાણા ઉનાળા દરમિયાન બાજરો, મગ, અળદ અને ચોમાસા દરમિયાન મગફળી, હળદર ઉપરાંત બાગાયત ક્ષેત્રમાં ડ્રેગન ફ્રુટ, બોર, જામફળ જેવા જુદા જુદા ફળોનુ વાવેતર કરી ઉત્પાદન મેળવે છે. ચોમાસા દરમિયાન હળદરના ઉત્પાદનમાં ખાસ બ્લુ હળદરનું ઉત્પાદન કરવામાં આવે છે જેનો ઉપયોગ દવા બનાવવા માટે કરવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિમાં ભીખુભાઈ પોતાના ઘરે એક નાના એવો તબેલો પણ વિકસાવ્યો છે, જેમાં દેશી ગાયનો ઉછેર કરવામાં આવે છે જે ગાય ના છાણ અને મૂત્ર દ્વારા જીવામૃત, ઘન જીવામૃત બનાવી તેનો ઉપયોગ કરે છે. ઉપરાંત સમયાંતરે ભીખુભાઈ આદુ-ગોળ, દૂધ-ગોળ વગેરે નો ઉપયોગ કરી ખેત ઉત્પાદનને જુદી જુદી જીવાત થી રક્ષણ મેળવે છે અને પાકનું રક્ષણ કરે છે.
પ્રાકૃતિક ખેતી દ્વારા વધારાનો ખર્ચ ઘટાડી શકાય છે, ઉપરાંત કેન્સર જેવા ભયંકર રોગ સામે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનનો ઉપયોગ કરવો જોઈએ જેના થકી આવા ભયંકર રોગ સામે રોગમુક્ત રહી શકાય. જેના માટે સરકાર દ્વારા લોકોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે સહકાર આપવામાં આવી રહ્યો છે જેમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને સમયાંતરે પ્રાકૃતિક કૃષિ અન્વયે તાલીમ પણ આપવામાં આવી રહી છે જેના થકી લોકો જાગૃત બને અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે.
આજે ભીખુભાઈ વર્ષ દરમિયાન ૩૦ લાખ સુધીની આવક આ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન દ્વારા મેળવે છે તેમજ આ દરેક કૃષિ ઉત્પાદન નો પોતાના ઘરેથી જુદા જુદા પેકિંગ દ્વારા શ્રીરામ પ્રાકૃતિક ફાર્મ દ્વારા વેચાણ કરે છે અને લોકો પણ ખૂબ જ ઉત્સાહથી તેમના દ્વારા ઉત્પાદિત આ પ્રાકૃતિક ખેત ઉત્પાદનનો ઉપયોગ કરે છે. ભીખુભાઈ પોતાના શ્રી રામ પ્રાકૃતિક ફાર્મ ખાતે પ્રાકૃતિક ખેતી તો કરે જ છે સાથે આજુબાજુના ક્ષેત્ર ના બીજા ખેડૂતોને પણ આ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપી રહ્યા છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ