માળીયા હાટીના તાલુકાનાં ગડુ ગામની શૈક્ષણિક સંસ્થાની રમતવિરોને પ્રોત્સાહક પ્રેરણાસભર વાત- રમતગમતમાં ભાગ લેનારની એક સેમેસ્ટરની ફી માફ

જૂનાગઢ જિલ્લાનાં માળીયા હાટીના તાલુકાનાં ગડુ શેરબાગ ખાતે ભક્તકવિ નરસીંહ મહેતા યુનિ. એફીલેટેડ શ્રી કર્મયોગી આર્ટસ-કોમર્સ,એન્ડ બી.આર.એસ. કોલેજ પરિસરમાં બાલમંદિરથી માંડીને અનુસ્નાતક કક્ષા સુધીમાં ૧૭૦૦ થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ વિદ્યાભ્યાસ કરી રહ્યા છે. આ સંસ્થાનાં ચેરમેન શ્રી અરજણભાઇ નારણભાઇ ચારીયાનાં માર્ગદર્શન હેઠળ કોલેજનાં આચાર્ય ગોવીંદભાઇ ચારીયા શિક્ષણ સાથે સહશૈક્ષણિક પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાનવર્ધન અને કૈાશલ્યવર્ધન થાય સાથે રમત-ગમત ક્ષેત્રે યુવાઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે દિશામાં અનેકવિધ કાર્યો કરવામાં આવે છે.

શ્રી કર્મયોગી આર્ટસ-કોમર્સ,એન્ડ બી.આર.એસ. કોલેજનાં પ્રિન્સીપાલ પ્રો.(ડો.) ગોવિંદભાઇ ચારીયાએ જણાવ્યુ હતુ કે અમારી સંસ્થામાં જે વિદ્યાર્થી રમત-ગમત માટે નોંધણી કરાવે તેમની અમો એક સેમેસ્ટરની ફી લેતા નથી. જેનાથી વિદ્યાર્થીને રમત-ગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન મળે છે. અમારી સંસ્થામાંથી વોલીબોલ, ૫૦ કીલો વેઇટ લીફ્ટીંગ, દોડ સ્પર્ધામાં ચાર બહેનોને જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી રમીને ગ્રામિણ યુવાઓ આગળ વધી રહ્યા છે. ગોવીંદભાઇ ચારીયા કહે છે કે અમોએ અમારી વોલીબોલ ટીમને અમારા ખર્ચે ટ્રેકશૂટ એનાયત કર્યા છે. અમારી સંસ્થાનાં વિદ્યાર્થીઓ ખેલમહાકુંભમાં તાલુકા કક્ષાએ ત્રીજનો નંબર પ્રાપ્ત કર્યો છે.

અમારી સંસ્થાએ માળીયા હાટીના તાલુકાનું જાનુડા ગામ દત્ત લઇને આ ગામમાં શિક્ષણમુલક અને સમાજોત્કર્ષ પ્રવૃતિ કરી વિદ્યાર્થીઓમાં ભારતિયાતા સાથે નવિ શિક્ષણનિતીનાં પાઠ ભણાવીએ છીએ. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ શ્રી કર્મયોગી આર્ટસ-કોમર્સ,એન્ડ બી.આર.એસ. કોલેજનાં ટ્રસ્ટીગણ અને પ્રાધ્યાપકશ્રીની શૈક્ષણિક પ્રવૃતિઓ અને વિદ્યાર્થીઓને રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાની ભાવનાને બિરદાવી જણાવ્યુ હતુ કે જો આ રીતે સધળી શૈક્ષણિક સંસ્થાઓ વિચારશે તો આવનાર દિવસોમા આપણાં ગુજરાતની શૈક્ષણિક સિધ્ધીઓ રાષ્ટ્રમાં અગ્રીમ પંક્તિમાં અંકાતી જોવા મળશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)