માળીયા હાટી:
શિક્ષણનો દબાણ ક્યારેક આપણી કલ્પના કરતાં પણ વધારે ગંભીર પરિણામે પહોંચે છે. માળીયા હાટીના નગરમાં આવી જ એક કરુણ ઘટના બની છે, જ્યાં માતા-પિતાના ભણતર અંગેના ઠપકાથી વ્યથિત થઈને 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
કટલરીના વેપારી તથા દેવી પૂજક અરવિંદ વીરજી ગોરાશાનો પુત્ર હર્ષ ગોરાશા હાલ ધોરણ 9 પૂરું કરી ધો.10માં પ્રવેશ મેળવ્યો હતો. માતા-પિતાએ તેને ભણતર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સામાન્ય ઠપકો આપ્યો હતો. જોકે, કદાચ લાગણીશીલ વયના હર્ષ માટે આ ઠપકો ખૂબ ભારરૂપ સાબિત થયા.
પ્રાથમિક માહિતી મુજબ, હર્ષની માતા રસોડામાં વ્યસ્ત હતી ત્યારે તેણે ઘરમાં જ ગળાફાંસો ખાઈ લીધો. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પરિવારજનો અને શહેરી લોકો દ્વારા હર્ષને નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયો હતો, પરંતુ ફરજ પરના તબીબ ડો. દિલીપ પીઠવાને તેને મૃત જાહેર કર્યો.
આ હ્રદયવિદારક ઘટના જાણ થતાં જ શહેરમાં શોકની લહેર ફરી વળી હતી. લોકસેવક જીવા સિસોદિયા સહિત સ્થાનિક આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચી પરિવારજનોને સાંત્વના આપી.
પોલીસ વિભાગ પણ ઘટનાને ગંભીરતાપૂર્વક લઈ તપાસમાં જોતરાયો છે. પીઆઈ સલમા સુમરા, અરુણ મહેતા અને નિલેશ ડાંગર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે.
અહેવાલ : પ્રતાપ સિસોદિયા, માળીયા હાટી