
પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંદરા વિસ્તારમાં નોંધપાત્ર કાર્યવાહી કરતાં એક શખ્સને આધાર પુરાવા વગરની બેટરીના ભંગાર સાથે પકડી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 11,00,150નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં મોટા પાયે બેટરીના ટુકડા, ગ્લાઇડર મશીન અને શીલનો સમાવેશ થાય છે.
આ કાર્યવાહી એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહીલ, હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી અને લીલાભાઇ દેસાઈની ટીમે મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ગુપ્ત બાતમીના આધારે કરી હતી. મળતી માહિતી પ્રમાણે વિવેક વિજયભાઈ વિસાણી (રહે. અંજાર, હાલે મોમાય કૃપા હોટલ પાછળ, મુંદરા)એ પોતાના કબજામાં ભંગાર બેટરી રાખેલી હતી.
વિજય વિસાણી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાને કારણે પોલીસે વિશેષ સાવચેતી સાથે કાર્યવાહી કરતા કુલ 91 બેટરી, એક ગ્લાઇડર મશીન અને શીલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
હવે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ ભંગારની બેટરીઓ કયા ઉપયોગ માટે હતી અને ક્યાંથી લાવવામાં આવી હતી.
અહેવાલ: નિલેશ ભટ્ટ – ભુજ