મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે A.I. અમલ માટે ટાઈમબાઉન્ડ એક્શન પ્લાન મંજૂર કર્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI-સક્ષમ ગવર્નન્સ લીડર બનાવવા 2025થી 2030 સુધીનો એક્શન પ્લાન મંજૂર કર્યો છે. વિકસિત ગુજરાત @2047ના વિઝન અંતર્ગત રાજ્યમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન લાવવા અને નવા યુગની ટેકનોલોજી અપનાવવા આ આયોજન તૈયાર કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા AI ઇકોસિસ્ટમને વેગ આપવો, સ્ટાર્ટઅપ્સને ટેકો આપવો અને વિવિધ વિભાગોમાં AI આધારિત સેવાનો અમલ કરવા માટે આ એક્શન પ્લાન માર્ગદર્શક તરીકે કામ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણને અનુરૂપ ગુજરાતે પણ ટેકનોલોજી આધારિત વિકાસ માટે આ અગત્યનું પગલું ભર્યું છે.

AI અમલીકરણ માટે તૈયાર કરાયેલ રોડમેપમાં 6 મુખ્ય પાયાઓ – ડેટા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપેસિટી બિલ્ડીંગ, સંશોધન અને વિકાસ, સ્ટાર્ટઅપ સપોર્ટ અને સેફ એન્ડ ટ્રસ્ટેડ AIને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, MSME અને સરકારી અધિકારીઓ સહિત 2.5 લાખથી વધુ વ્યક્તિઓને AI અને ML તાલીમ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આ એક્શન પ્લાન અંતર્ગત AI ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે જે ગવર્નન્સ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ફિનટેક અને અન્ય મહત્વના ક્ષેત્રોમાં AIના ઉપયોગ માટે માર્ગદર્શક ભૂમિકા ભજવશે. સાથે જ, AI ડેટા રિપોઝીટરી, AI ફેક્ટરીઓ, પાયલોટ પ્રોજેક્ટ્સ અને નવા સ્ટાર્ટઅપ્સ માટે સહયોગાત્મક માળખું ઉભું કરવામાં આવશે.

આ યોજના હેઠળ ગુજરાતમાં GIFT Cityમાં AI Excellence Centre, AI Innovation Challenge, Indigenous LLM અને GPU આધારિત હાઈ-પર્ફોમન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી પહેલો પણ અમલમાં લાવવામાં આવી રહી છે.

આમ, AI અમલીકરણનો આ ટાઈમબાઉન્ડ એક્શન પ્લાન ગુજરાતને ડિજિટલ ગવર્નન્સ અને ટેકનોલોજી આધારિત સુશાસન માટે દેશનું આગવું રાજ્ય બનાવશે અને વિકસિત ભારત @2047ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ