સુરત:
સુરત શહેરમાં સતત પડી રહેલા ભારે વરસાદ વચ્ચે શહેર પોલીસ શહેરીજનોની સુરક્ષા માટે ચાંપતી નજર રાખી રહી છે. વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિઓને નિયંત્રિત કરવા માટે સુરત શહેર પોલીસ ખડેપગે કાર્યરત છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદના પગલે કોઈ મોટી ઘટના ના બને તે માટે CCTV કંટ્રોલ રૂમમાં વિશેષ ટીમ તાત્કાલિક કામગીરી માટે તૈનાત કરાઈ છે. માનનીય પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલૌત તથા અન્ય પોલીસ અધિકારીઓએ પણ જાતે કંટ્રોલ રૂમમાં હાજરી આપી સમગ્ર શહેર પર સીધી નજર રાખી હતી.
અધિકારીઓએ વરસાદી પરિસ્થિતિઓને લઈ તાત્કાલિક પ્રયાસો શરૂ કર્યા હતા તેમજ માર્ગો, સ્કૂલો, નદીઓ, ઓવરબ્રિજ, નીચાણવાળા વિસ્તારો સહિત સંવેદનશીલ સ્થળોની સતત મોનિટરિંગ કરાઈ રહી છે. પોલીસ ટીમ દ્વારા લોકોને સલામત જગ્યાએ ખસેડવાની તૈયારી પણ રાખવામાં આવી છે.
સુરત શહેર પોલીસ દ્વારા શહેરીજનોને પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે વરસાદ દરમિયાન ફૂંકાતા વહેણ, ઊંડા પાણી અને ઊંડા ખાડામાં ન પ્રવેશવા તથા જરૂરી સહકાર આપવા. શહેરમાં કોઈ પણ પ્રકારની આપત્તિની સ્થિતિમાં પોલીસ કંટ્રોલ રૂમના નંબર પર તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરાઈ છે.
શહેરની સ્થિતિ ઉપર સતત મોનિટરિંગ કરી રહેલા પોલીસ કમિશ્નર અને ટીમ દ્વારા સમયસર યોગ્ય પગલાં ભરાતા શહેરીજનોમાં સુરક્ષા અને વિશ્વાસનું માહોલ સર્જાયો છે.
રિપોર્ટર: બ્યુરો રિપોર્ટ