મેંદરડા ખાતે ક્રીડા ભારતી દ્વારા રમતવીરો અને શિક્ષકોનો સન્માન-સંવાદ કાર્યક્રમ.

જૂનાગઢ, તા. ૮ — જૂનાગઢ ક્રીડા ભારતીના આયોજન હેઠળ મેંદરડા તાલુકા કક્ષાનો રમતવીર સન્માન અને સંવાદ કાર્યક્રમ સરસ્વતી વિદ્યા મંદિર, મેંદરડા ખાતે સૌરાષ્ટ્ર પ્રાંત ક્રીડા ભારતીના માર્ગદર્શન હેઠળ ભવ્ય રીતે યોજાયો. કાર્યક્રમનો હેતુ મેંદરડા તાલુકાના તેવા શિક્ષકો અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો હતો જેમણે રમતગમત ક્ષેત્રે અનન્ય યોગદાન આપ્યું છે અથવા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી છે.

કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, સૌરાષ્ટ્ર પ્રાંત ક્રીડા ભારતીના ઉપાધ્યક્ષ ડો. એમ.પી. તાળા, ક્રીડા ભારતી જૂનાગઢના અધ્યક્ષ ડો. મનીષકુમાર જીલડીયા, તેમજ સરસ્વતી વિદ્યા મંદિર મેંદરડાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા. મહાનુભાવોએ રમતવીરો સાથે સંવાદ કર્યો અને રાજ્ય-રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રેરણા આપી.

શિક્ષક મિતુલભાઈ જીલડીયા (સરકારી સીમ શાળા), ગીરીશભાઈ પાંચાણી (સરસ્વતી વિદ્યા મંદિર) અને ધનંજયભાઈ સાવલિયા (રાજેસર પ્રાથમિક શાળા)ને તેમની વિશિષ્ટ સેવાઓ બદલ શ્રેષ્ઠ સેવા સન્માનપત્ર એનાયત કરાયા. તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઉત્તમ પ્રદર્શન કરનાર અનેક ખેલાડીઓને પણ પ્રમાણપત્ર આપી ક્રીડા ભારતી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ