તાલુકા કક્ષાના પ્રશ્નો માટે લોકોને હવે જિલ્લા કે ગાંધીનગર સુધી ના જવું પડે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘સ્વાગત’ ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત મેંદરડા તાલુકામાં તા. ૨૩ જુલાઈ, ૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં લોકો પોતાની વ્યક્તિગત અરજી સાથે જાતે રૂબરૂ હાજર રહી શકે છે, જેમાં અરજદાર માત્ર એક જ વિષય અંગે અરજી કરી શકશે. સામૂહિક અરજી મંજૂર કરાશે નહીં.
ફરીયાદો માટે જરૂરી છે કે જે પ્રશ્ન ગ્રામ કક્ષાનો હોય, ત્યારે અરજદાર એ અગાઉ ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી અથવા ગ્રામસેવકને લેખિતમાં રજૂઆત કરી હોવી જોઈએ અને તે પ્રશ્ન હજી સુધી અનિર્ણિત રહેેલો હોવો જોઈએ. તે જ રીતે, તાલુકા કક્ષાના પ્રશ્ન માટે પણ સંબંધિત અધિકારીને અગાઉ લેખિતમાં અરજી કરેલી હોવી આવશ્યક છે.
कार्यક્રમમાં સમાવિષ્ટ થવા ઇચ્છુક નાગરિકોએ પોતાના પ્રશ્નો/અરજીઓ ઉપર “મેંદરડા તાલુકા માટેનો ‘સ્વાગત’ ફરીયાદ નિવારણ કાર્યક્રમ” એમ સ્પષ્ટ લખીને અરજી તા. ૧૦ જુલાઈ, ૨૦૨૫ સુધીમાં મામલતદારશ્રી કે એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ, મેંદરડા કચેરીમાં પહોંચે તેવી રીતે સુપરત કરવી રહેશે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ