મેજર ધ્યાનચંદ જયંતિ પ્રસંગે ભાવનગરમાં ભવ્ય સાયકલોથોન, હજારો નાગરિકો ઉત્સાહભેર જોડાયા.

મેજર ધ્યાનચંદ જયંતિની ઉજવણી પ્રસંગે ભાવનગર શહેરમાં આજ રોજ વહેલી સવારે સાયકલોથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ રેલી ગુલીસ્તાનથી પ્રારંભ કરી ૯ કિલોમીટર સુધી સંપન્ન કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત મેયર શ્રી ભરતભાઈ બારડ, જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ અને મ્યુનિસિપલ કમિશનર શ્રી એન.કે. મીણાના હસ્તે ફ્લેગ ઓફ કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવોએ સ્વયં સાયકલ ચલાવીને નાગરિકોને ફિટ અને તંદુરસ્ત રહેવાનો સંદેશ આપ્યો હતો.

આ સાયકલોથોનમાં ૧ હજારથી વધુ સાયકલિસ્ટો ઉત્સાહભેર જોડાયા હતા. સાથે જ ભાગ લેનાર દરેક સાયકલિસ્ટને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રેલીનો માર્ગ ગુલીસ્તા, સેન્ટ્રલ સોલ્ટ, દિલબહાર પાણીની ટાંકી, જ્વેલર્સ સર્કલ, નીલમબાગ, કાળાનાળા થઈને ફરીથી ગુલીસ્તાન ખાતે પૂર્ણ થયો હતો.

આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા, ડેપ્યુટી કમિશનર શ્રી જે.કે. રાવલ, મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ એસોસિયેશનો, વિદ્યાર્થીઓ અને શહેરના મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર: સતાર મેતર, ભાવનગર